રિલાયન્સ જિઓથી ટોચની ટેલિકોમ કંપનીઓમાં ગભરાટઃ PMOને પત્ર

કોલકાતા: રિલાયન્સ જિઓ દ્વારા લગભગ વિનામૂલ્યે ૪-જી સર્વિસીસ શરૂ કરવાની જાહેરાત કરાતાં દેશની ટોચની ટેલિકોમ કંપનીઓ ફફડી ગઇ છે. દેશની આ ટોચની ટેલિકોમ કંપનીઓએ રિલાયન્સ જિઓથી ગભરાઇને વડા પ્રધાન કાર્યાલયને એક પત્ર લખ્યો છે. આ કંપનીઓએ જણાવ્યું છે કે ઇન્ટર કનેક્શન પોઇન્ટ માટે રિલાયન્સ જિઓ ઇન્ફોકોમના અનુરોધ પર પગલાં ભરવાની તેમની કોઇ જવાબદારી થતી નથી. જિઓના વોઇસ ટ્રાફિકને ટર્મિનેટ કરવા માટે ન તો તેમની પાસે કોઇ નેટવર્ક છે કે ન તો કોઇ નાણાકીય સંસાધનો.

સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (સીઓએઆઇ)એ પીએમઓના પ્રિન્સિપલ સેક્રેટરી નૃપેન્દ્ર મિશ્રાને એક મહિનામાં આ બીજો પત્ર મોકલ્યાે છે. પત્રમાં જણાવાયું છે કે રિલાયન્સ જિઓના સંભવિત ૧૦ કરોડ કસ્ટમરના ઇનકમિંગ વોઇસ ટ્રાફિકને અનલોડ કરવાથી વર્તમાન ઓપરેટરોનું વેટેડ સરેરાશ વોઇસ રિયલાઇઝેશન પ્રતિવોઇસ મિનિટ ૩૦ થી ૪૦ પૈસા છે તે ઘટીને પ્રતિવોઇસ મિનિટ ૨૨ થી ૨૫ પૈસા થઇ જશે અથવા તો તેનાથી પણ નીચે જઇ શકે છે. આ પત્રમાં ટેલિકોમ કંપનીઓએ એવી દહેશત વ્યક્ત કરી છે કે આ ઘટાડાના પગલે વર્તમાન ટેલિકોમ કંપનીઓની હાલત કફોડી થઇ જશે. રિલાયન્સ જિઓ દ્વારા આટલી મોટી છૂટછાટ આપવાથી વોઇસ ટ્રાફિકની સુનામી આવશે, જેના કારણે નાણાકીય સ્પર્ધા ખતમ થઇ જશે.

વર્તમાન ટેલિકોમ કંપનીઓને વોઇસ ટ્રાફિક સાથે કામ લેવા મજબૂર બનવું પડશે, જે વર્તમાન સ્તરથી બમણું હશે. સીઓએઆઇમાં ભારતીય એરટેલ, વોડાફોન ઇન્ડિયા, આઇડિયા સેલ્યુલર સહિત અન્ય ટેલિકોમ કંપનીઓ સભ્ય છે. રિલાયન્સના મૂકેશ અંબાણીએ હરીફ ટેલિકોમ ઓપરેટરોને પૂરતી સંખ્યામાં પોઇન્ટ ઓફ ઇન્ટર કનેક્શન ઉપલબ્ધ કરાવવા વિનંતી કરી હતી.

You might also like