એરટેલ, વોડાફોન, અાઈડિયા કંપનીએ સરકારને ૪૦૦ કરોડનો ચૂનો લગાવ્યો

નવી દિલ્હી: રિલાયન્સ જિઓએ ટેલિકોમ મંત્રાલય સમક્ષ ફરિયાદ કરી આક્ષેપ કર્યો છે કે જૂની કંપનીઓ ભારતી એરટેલ, વોડાફોન અને આઈ‌િડયાએ માર્ચમાં લાઈસન્સની રકમ નહિ ચૂકવતાં સરકારને ૪૦૦ કરોડનું નુકસાન થયું છે. આ તમામ કંપનીએ લાઈસન્સના ખર્ચની રકમ ચૂકવી નથી, જે ત્રમાસિક મુદત દરમિયાન ચૂકવવાની હોય છે.

આ અંગેની ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે એરટેલે જાન્યુઆરીથી માર્-૨૦૧૭ માટે લાઈસન્સ ખર્ચ તરીકે લગભગ ૯૫૦ કરોડની રકમ ચૂકવી છે ત્યારે જિઓએ આક્ષેપ કર્યો છે કે આ રકમ એરટેલ દ્વારા ઓકટોબર-ડિસેમ્બર, ૨૦૧૭માં આપવામાં આવેલા ૧,૦૯૯.૫ કરોડના લાઈસન્સ ખર્ચથી ૧૫૦ કરોડ ઓછા છે. નિયમો મુજબ ટેલિકોમ ઓપરેટરને જાન્યુઆરીથી માર્ચની મુદત માટે લાઈસન્સના ખર્ચની રકમની ચુકવણી અંદાજિત આવકના આધારે કરવાની હોય છે, પરંતુ તે રકમ ચાલુ નાણાકીય વર્ષના ત્રિમાસિક ગાળામાં કરવામાં આવેલી ચુકવણીથી ઓછી હોવી ન જોઈએ.

આ જ પ્રકારે જિઓના આક્ષેપ મુજબ વોડાફોને ૫૫૦ કરોડની ચુકવણી કરી છે તે ત્રીજા ત્રિમાસિકગાળામાં આપેલા ૭૪૬.૮ કરોડના લાઈસન્સ ખર્ચ કરતાં ૨૦૦ કરોડ ઓછા છે. આઈ‌િડયાએ પણ આ જ ગાળામાં ચૂકવેલા ૬૦૯.૪ કરોડની સરખામણીએ ઓછી રકમ ચૂકવી છે. તેથી આ રીતે આ ત્રણેય કંપનીએ સરકારને ૪૦૦ કરોડનો ચૂનો લગાવ્યો હોવાનો જિઓએ આક્ષેપ કર્યો છે. જ્યારે બીજી તરફ ટેલિકોમ કંપનીઓના સંગઠન સીઓએઆઈના વડા રાજન એસ. મેથ્યુઝે જણાવ્યું કે જો મીડિયામાંથી મળેલી માહિતી સાચી હોય તો જે આક્ષેપ કરવામાં આવ્યો છે તે ખોટો અને પાયાવિહોણો છે. તેમણે જણાવ્યું કે આ અંગે સીઓએઆઈને કોઈ સૂચના મળી નથી.
http://sambhaavnews.com/

You might also like