આવતી કાલે રિલાયન્સ જિઓનો રૂ. ૫૦૦નો 4-G ફોન લોન્ચ કરાશે

નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓની આવતી કાલે એટલે કે ૨૧ જુલાઈએ વાર્ષિક બેઠક મળનાર છે. આ બેઠકમાં મૂકેશ અંબાણી કેટલીક મહત્ત્વની જાહેરાતો કરી શકે છે કે જેના કારણે ફરીથી ટેલિકોમ ઈન્ડસ્ટ્રીઝમાં હલચલ મચી જશે. ખાસ કરીને રિલાયન્સ જિઓ આવતી કાલે તેની વાર્ષિક બેઠકમાં માત્ર રૂ. ૫૦૦માં ૪-જી ફોન આપવાની જાહેરાત કરી શકે છે.
રિલાયન્સ જિઓ આગામી બે વર્ષમાં ૨૦ કરોડ ફીચર ફોન વેચવાનો પ્લાન બનાવી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર રિલાયન્સ જિઓ પોતાના ૪-જી ફીચર ફોનની કિંમત એટલા માટે આટલી ઓછી રાખશે કારણ કે તેની યોજના ૨-જી સબસ્ક્રાઈબર્સને આકર્ષિત કરીને ૪-જીમાં શિફ્ટ કરીને પોતાના ગ્રાહકનો વ્યાપ વધારવાની છે.

રિપોર્ટ અનુસાર આટલી કિંમતનો ગેપ પૂરવા માટે રિલાયન્સ જિઓ પ્રત્યેક હેન્ડસેટ પર ૧૦થી ૧૫ ડોલરની એટલે કે રૂ. ૭૦૦થી વધુની સબસિડી આપશે. રિલાયન્સ જિઓનો આ સ્માર્ટ પરંતુ ફીચર ફોન હશે જેમાં રિલાયન્સ જિઓની જિઓ ટીવી, જિઓ મની જેવી કેટલીય એપ પણ હશે. સ્માર્ટ ફોનની જેમ તેમાં ટચ સ્ક્રીનની સુવિધા નહીં હોય, પરંતુ વાઈફાઈ સહિત અન્ય તમામ સુવિધાઓ હશે. કંપનીની યોજના આ ફોનને ઓગસ્ટના બીજા સપ્તાહમાં બજારમાં લોન્ચ કરવાની છે. ભલે તેની જાહેરાત ૨૧ જુલાઈએ કરવામાં આવશે.

જોકે હજુ સુધી એ નક્કી થયું નથી કે આ ફીચર ફોનનું વેચાણ રિલાયન્સ રિટેલ અથવા રિલાયન્સ જિઓ બેમાંથી ક્યા મીડિયમ દ્વારા કરવામાં આવશે, પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે તેને પણ રિલાયન્સ જિઓની જેમ જ વેચવામાં આવશે. જોકે એક સમાચાર સંસ્થાના જણાવ્યા પ્રમાણે રિલાયન્સ જિઓએ હજુ ફીચર ફોનના એક સેટની કિંમત નક્કી કરી નથી, પરંતુ તેની કિંમત રૂ. ૧૦૦૦થી ૧૫૦૦ વચ્ચે હોવાની આશા છે.
http://sambhaavnews.com/

You might also like