રિલાયન્સ જિઓની ૪-જી સર્વિસ શરૂઃ બે લાખ સ્ટોર પર સિમ મળશેે

નવી દિલ્હી: રિલાયન્સ જિઓ ૪-જીના ગ્રાહકોની લાંબી પ્રતીક્ષાનો આજે અંત આવી ગયો છે. રિલાયન્સ જિઓએ આજથી દેશભરમાં જિઓ સર્વિસીસ શરૂ કરી દીધી છે. કસ્ટમર માટે ડેટા, એસએમએસ અને વોઇસ કોલ જેવી સર્વિસીસ ૩૧ ડિસેમ્બર સુધી ફ્રીમાં આપવામાં આવશે. કંપનીને આશા છે કે હવે ટૂંક સમયમાં જિઓ સાથે દસ કરોડ ગ્રાહકો જોડાઇ જશે.
આજથી દેશભરમાં બે લાખ સ્ટોર પર જિઓનાં સિમકાર્ડ મળવાનાં શરૂ થઇ જશે. જિઓ સિમકાર્ડ જે અત્યાર સુધી માત્ર રિલાયન્સ સ્ટોર પર જ મળતાં હતાં તે હવે મલ્ટિ બ્રાન્ડ આઉટલેટ્સ અને મોબાઇલ શોપ પર પણ મળશે. દેશભરમાં બે લાખ સ્ટોર પરથી સિમકાર્ડ ખરીદી શકાશે.

હવે એ સમય દૂર નથી કે જ્યારે સમગ્ર દેશ ટૂંક સમયમાં રિલાયન્સ જિઓના વાઇ-ફાઇ હોટસ્પોટ સાથે જોડાઇ જશે એટલું જ નહીં, બીજાં રાજ્યમાં જવા પર રોમિંગ ચાર્જિસમાંથી પણ ગ્રાહકોને આઝાદી મળશે.
કઈ રીતે ગ્રાહકોને સિમકાર્ડ મળશે?

આ માટે સૌ પહેલાં ગ્રાહકોએ પોતાના ફોન પર માય જિઓ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. આ એપ પ્લે-સ્ટોર પર ઉપલબ્ધ છે. ત્યાર બાદ એપમાં જઇને ‘ગેટ જિઓ સિમ’ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ ‘એગ્રી એન્ડ જિઓ સિમ’ ઓફર પર ક્લિક કરવાનું રહેશે, પછી ડ્રોપ ડાઉન બોક્સમાં પોતાનું લોકેશન સિલેક્શન કરો અને નેકસ્ટ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ સ્ક્રીન પર જે ઓફર કોડ દેખાય તેને નોંધી લો.

આ ઓફર કોડને જરૂરી ડોક્યુમેન્ટ સાથે પોતાના નજીકના રિલાયન્સ સ્ટોર પર જઇને બતાવશો તો તમને રિલાયન્સ ૪-જી સિમ મળી જશે. જો તમે સ્માર્ટ કસ્ટમર ન હો તો ઇ-કેવાયસી હેઠળ તમારું આધારકાર્ડ રિલાયન્સ જિઓ ડિજિટલ સ્ટોર પર લઇને જશો તો ત્યાંથી પણ તમને કોઇ પણ જાતની તકલીફ વગર સિમકાર્ડ મળી જશે. સિમકાર્ડ ખરીદતી વખતે ગ્રાહકે પ્રિ-પેઇડ અથવા પોસ્ટ-પેઇડનો પ્લાન પસંદ કરવાનો રહેશે. કન્ઝ્યુમર ૩૧ ડિસેમ્બર સુધી ફ્રી સર્વિસીસ મેળવી શકશે, ત્યાર બાદ ટેરિફ પ્લાન લાગુ પડી જશે.

You might also like