ફ્રાંસમાં વિનાશક પૂરઃ પેરિસના ૧૧ વિસ્તારમાં ‘ઓરેન્જ એલર્ટ’ જારી

પેરિસ: ફ્રાન્સમાં અતિભારે વરસાદથી આવેલા પૂરથી ભારે ખાનાખરાબી થઈ છે, જેમાં ૧૦૮ વર્ષમાં દેશમાં સૌથી વિનાશક પૂર આવતાં ૨૪૦ શહેરમાં જળબંબાકાર જોવા મળી રહ્યો છે તેમજ સીન નદી હાલ ભયજનક સપાટીથી ૧૩ ફૂટ ઉપર વહી રહી હોવાથી કાંઠા વિસ્તારના લોકોને સલામત જગ્યાએ ખસી જવા સલાહ આપવામાં આ‍વી છે.

પેરિસમાં હાલ વરસાદ ચાલુ છે. તેથી આ શહેરમાં પૂરનાં પાણી ફરી વળતાં ઘરમાં ફસાઈ ગયેલા લગભગ ૧૫૦૦ લોકોને રેસ્કયૂથી બચાવી લેવામાં આવ્યા હતા. અતિભારે વરસાદથી પેરિસના જાણીતા લોવર મ્યુઝિયમમાં પણ પાણી ભરાઈ ગયું હતું. જાન્યુઆરીના ૨૮ દિવસમાં જ પેરિસમાં સાત ઈંચ જેટલો વરસાદ પડ્યો છે, જે સરેરાશ વરસાદ કરતાં બે ગણો વધારે છે.

પૂરના કારણે પેરિસમાં જનજીવન ઠપ થઈ ગયું છે. પૂરના કારણે હોસ્પિટલમાંથી દર્દીઓને બહાર કાઢવા પડ્યા છે તેમજ શાળા અને કોલેજો તેમજ કચેરીઓ બંધ રાખવાની ફરજ પડી છે. સતત ભારે વરસાદથી પેરિસના ૧૧ જેટલા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જે ખતરાની ચાર કેટેગરીમાંથી ત્રીજા ક્રમે છે, જ્યારે પૂરનાં પાણી ફરી વળતાં પેરિસનાં સાત જેટલાં રેલવે સ્ટેશનને પણ બંધ કરવાની ફરજ પડી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પેરિસમાં છેલ્લાં ૨૦ વર્ષમાં નવમી વખત આવેલા પૂરમાં આ વખતનું પૂર સૌથી મોટું રહ્યું છે. હાલ શહેરમાં લોકોને હોડીથી બચાવવામાં આવી રહ્યા છે. પાણી એટલાં બધાં ભરાઈ ગયાં છે કે જેના કારણે પાણી નીકળતાં સપ્તાહનો સમય લાગે તેમ છે. ફ્રાન્સમાં છેલ્લે ૧૯૧૦માં મોટું પૂર આવ્યું હતું. ત્યારબાદ આ વખતે જે પૂર આવ્યું છે તે સૌથી વિનાશક રહ્યું છે. સતત અને ભારે વરસાદથી સીન નદી તેની ભયજનક સપાટીથી ૧૩ ફૂટ જેટલી ઉપર વહી રહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની સલાહ આપવામાં આવી છે.

You might also like