જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો તને અને તારી માતાને હેરાન કરી નાખીશ

અમદાવાદ: શહેરના ડી કેબિન વિસ્તારમાં રહેતા ગાયક કલાકારે ચાંદખેડામાં રહેતી યુવતીના ઘરે જઈ હંગામો મચાવી દીધો હતો. જો તું મારી સાથે સંબંધ નહિ રાખે તો તને અને તારી માતાને હેરાન કરી નાખીશ, તેવી ધમકી આપી હતી. જેના પગલે સોસાયટીના લોકો ભેગા થઇ ગયા હતા. આ અંગે યુવતીએ ગાયક કલાકાર સામે છેડતીની અને ગાયક કલાકારે કારમાં તોડફોડની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

ચાંદખેડા વિસ્તારમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી યુવતીની માતા સાથે ગાયક કલાકારનું કામ કરતો રવિ શ્રીમાળી (રહે. ભવસાગર સોસાયટી, ડી કેબિન) અવારનવાર યુવતીના ઘરે આવતો જતો હતો. રવિ યુવતી સાથે બીભત્સ ચેનચાળા કરતો ખરાબ નજર રાખતો હતો. રવિના અને યુવતીના ઘરના સારા સંબંધ હોવાથી તેણે કોઈને કહ્યું ન હતું. બે દિવસ અગાઉ બપોરના સમયે રવિ ગાડી લઇ અને યુવતીના ઘરે ગયો હતો. ઘરની બહાર ગાડીઓનાં હોર્ન મારી હંગામો કરી તેને કહ્યું કે જો તું મારી સાથે સંબંધ નહિ રાખે તો તને અને તારી માતાને હેરાન કરી નાખીશ તેવી ધમકી આપી હતી. જેના પગલે લોકોનાં ટોળાં ભેગાં થઇ ગયાં હતાં.

યુવતીએ પણ સામે બોલાચાલી કરી અને રવિની ગાડીનો કાચ તોડી નાખ્યો હતો. અવારનવાર ના પાડવા છતાં સોસાયટીમાં આવીને રવિ યુવતીને હેરાન કરતો હતો. પોલીસને જાણ કરાતાં ચાંદખેડા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.પોલીસે બંનેની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

You might also like