રેખા-સચિનનો કાર્યકાળ રાજ્યસભામાં સમાપ્ત, અક્ષય-જુહીના નામની ભલામણ

મુંબઈ: કલા, સંસ્કૃતિ, સાહિત્ય અને સમાજ સેવાના ક્ષેત્રમાંથી રાજ્યસભા માટે રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ કરવામાં આવનારી ૧૨ હસ્તીમાંથી ત્રણનો કાર્યકાળ એપ્રિલમાં સમાપ્ત થઈ રહ્યો છે. યોગાનુયોગ આ ત્રણેય હસ્તીમાં પ્રોફેશનલ અનુ આગા, ક્રિકેટ ખેલાડી સચીન તેંડુલકર અને ફિલ્મ અભિનેત્રી રેખાનો સમાવેશ થાય છે. હવે આ ત્રણેય બેઠક પર પોતાનું સ્થાન પાકું કરવા માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ અને લેખક વચ્ચે હોડ ચાલી છે.

ગૃહમાં હાજરીનો સૌથી ખરાબ રેકોર્ડ માત્ર (૪.૫ ટકા) ધરાવનાર અને ચોમેરથી ટીકાનો ભોગ બનેલ રેખાનો રાજ્યસભામાં છ વર્ષનો કાર્યકાળ પૂરો થાય છે. હવે બધાની નજર એ વાત પર છે કે રેખાની બેઠક પર કયા ફિલ્મ સ્ટારનો નંબર લાગશે. રાજ્યસભામાં ખાલી પડનારી રેખાની બેઠક મેળવવા માટે કેટલાય ફિલ્મ સ્ટારે પક્ષ હાઈકમાન્ડને વિનંતી કરી છે.

રેખાની રાજ્યસભાની બેઠક માટે અક્ષયકુમાર, જૂહી ચાવલા અને ગજેન્દ્ર ચૌહાણનાં નામો આગળ ચાલી રહ્યાં છે. જોકે સલમાન ખાનના પિતા સલીમ ખાન, વિવેક ઓબેરોયના પિતા સુરેશ ઓબેરોય, ઋષિ કપૂર, જેકી શ્રોફ, વહિદા રહેમાન, આશા પારેખ, મધુર ભંડારકર અને અનુપમ ખેરનાં નામની ભલામણ પણ પક્ષ અને સરકાર સુધી પહોંચી છે.

પીએમ નરેન્દ્ર મોદીનાં શૌચાલય નિર્માણ, સ્વચ્છતા અભિયાન અને શહીદ જવાનો માટે નાણાં સંચયમાં સક્રિયતા દાખવીને રાષ્ટ્રવાદી હોવાનો વારંવાર પરિચય આપી ચૂકેલ અને રેખાની સાથે ખેલાડીનો રોલ કરી ચૂકેલ અક્ષયકુમાર રાજ્યસભામાં પ્રવેશ મેળવી શકે છે.

You might also like