રિજેક્ટેડ મુરતિયાએ છોકરીની બેગમાં બોમ્બ હોવાની અફવા ફેલાવી

મુંબઇ: યમનિયા એરલાઇન્સની મુંબઇથી એડનની ફ્લાઇટમાં એક પેસેન્જર યમનની રહેવાસી ૨૬ વર્ષની ફાતિમા ફવાઝીની બેગમાં બોમ્બ હોવાની ખોટી માહિતી આપનારા સાઉથ મુંબઇના ડંકન રોડના રહેવાસી ૨૮ વર્ષીય કુત્બુદ્દીન સાહીવાલાની સહાર પોલીસ સ્ટેશનની ટીમે ધરપકડ કરી હતી.

શુક્રવારે મધરાતે કુત્બુદ્દીને એરપોર્ટ કંટ્રોલરૂમમાં ફોન કરીને ફાતિમા ફવાઝીની બેગમાં બોમ્બ હોવાનું જણાવ્યા બાદ તમામ પેસેન્જરના રિચેકનો નિર્ણય લેવાયો હતો.

યોગાનુયોગ ફાતિમા બરાબર કાઉન્ટરની સામે ઊભી હતી. તેને બાજુ પર લઇ જઇ તેનો સામાન ધ્યાનથી તપાસવામાં આવ્યો, પરંતુ તેની બેગમાંથી કોઇ શંકાસ્પદ વસ્તુ ન મળી. ફાતિમા તેના પિતા સાથે યમન પાછી જતી હતી. ફાતિમાને કુત્બુદ્દીન વિશે પૂછતાં તેણે આપેલા જવાબથી પીઆઇએસએફના સ્ટાફર્સને આંચકો લાગ્યો હતો.

ફાતિમાએ જણાવ્યું કે હું મે‌િટ્રમોનિયલ સાઇટ દ્વારા કુત્બુદ્દીનના સંપર્કમાં આવી. મારા પિતાની મેડિકલ ટ્રીટમેન્ટ માટે મારે ભારત આવવાનું થયું. તે દિવસોમાં લગ્ન સંબંધી વાતચીત આગળ વધારવા મેં તેને મળવાનું વિચાર્યું. મારા પિતાને મેડિકલ ટ્રીટમેન્ટ પૂરી થયા બાદ અમે મુંબઇના ડંકન રોડ પરના કુત્બુદ્દીનના ઘરે ગયા. કુત્બુદ્દીને મોટા દાવા કર્યા હતા, પરંતુ સ્થિતિ અલગ જોવા મળી.

તેણે પોતાનું ઘર હોવાનો દાવો કર્યો હતો. તેનું પોતાનું ઘર ન હતું અને તે કોઇ વ્યવસાય પણ કરતો ન હતો. તે અન્ય સાથે એક એપાર્ટમેન્ટ શેર કરતો હતો. મેં એ મેરેજ પ્રપોઝલ રિજેક્ટ કરી અને અમે ત્યાંથી નીકળી ગયાં. ત્યાર બાદ તેણે મને ફોન કર્યા અને મેસેજ પણ મોકલ્યા. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને ચીટિંગનો આરોપ મૂકવાની

ધમકી પણ આપી. સહાર પોલીસ સ્ટેશનની ટીમ ડંકન રોડ પર આરોપીના ઘરે પહોંચી ત્યારે તેણે ખોટી માહિતી આપી હોવાનું કબૂલ્યું હતું. બોમ્બની અફવાના કારણે ફ્લાઇટ ૫૦ મિનિટ મોડી પડી હતી.

You might also like