સ્યુસાઇડ માટે ઉશ્કેરનારી ‘Blue Whale Game’ની રિએન્ટ્રીઃ સાઉદીમાં બે બાળકોનાં મોત

કુવૈત: સાઉદી અરબમાં ખતરનાક બ્લૂ વ્હેલ ગેમના કારણે બે બાળકોની આત્મહત્યા બાદ ત્યાંની સરકારે ૪૭ ગેમ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ વાતની જાણકારી સાઉદી અરબના ઓડિયો-વીડિયો કમિશનરે આપી છે. કમિશન મુજબ બ્લૂ વ્હેલ ગેમના કારણે બે બાળકોએ આત્મહત્યા કરી લીધી હતી. ત્યાર બાદ આ પ્રકારની સ્યુસાઇડ માટે ઉશ્કેરનારી આવી ગેમ પર સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે.

બ્લૂ વ્હેલ ગેમને પહેલાં ભારત, બાંગ્લાદેશ, સાઉદી અરેબિયા સહિત અનેક દેશોમાં બેન કરાઇ હતી. સાઉદી અરબના ઓડિયો-વીડિયો કમિશન મુજબ બ્લૂ વ્હેલ ગેમમાં મળનારા ટાસ્કને પૂરો કરવા ૧ર વર્ષના છોકરા અને ૧૩ વર્ષની છોકરીએ આત્મહત્યા કરી હતી. આ ગેમ રમનારા ખેલાડીઓને ખુદને નુકસાન પહોંચાડવાના ટાસ્ક આપવામાં આવે છે અને છેલ્લા ટાસ્કમાં ખેલાડીને સ્યુસાઇડ કરવાનું કહેવામાં આવે છે.

સાઉદીમાં ડેડપુલ, કલેશ ઓફ ટાઇટન, ડેવિન થર્ડ, ડ્રેગન એઇડ, ગોડ ઓફ વોરની ત્રણ સિરીઝ, ગ્રાન્ડ થેફટ ઓટો, માફિયા-ર, લાઇફ ઇઝ સ્ટ્રેઇન્જ, હિટમેન, હેવી રેઇન, ફાઇનલ ફેન્ટસી, ડ્રો ટુ ડેથ સહિતની ૪૭ ગેમ પર પ્રતિબંધ મુકાયો છે.

ર૮ જૂૂને પહેલા સ્યુસાઇડના સમાચાર આવ્યા હતા
મીડિયા રિપોર્ટ મુજબ ૧ર વર્ષનાં બાળકના સ્યુસાઇડના સમાચાર ર૮ જૂનના રોજ આવ્યા હતા. ત્યાર બાદ ૩૦ જૂન ર૦૧૮એ ફરી એક વાર સાઉદીની અલ અરેબિયા વેબસાઇટે બાળકના મોતના સમાચાર ચલાવ્યા હતા. જેમાં બ્લૂ વ્હેલ ગેમને મોતનું કારણ ગણાવ્યું હતું. ભારતમાં બ્લૂ વ્હેલ ગેમના કારણે સ્યુસાઇડના સમાચાર પહેલીવાર સપ્ટેમ્બર ર૦૧૭માં આવ્યા હતા ત્યારે મુંબઇમાં રહેતા ૧૪ વર્ષના મનપ્રીતસિંહ સાહનીએ સ્યુસાઇડ કર્યું હતું.

You might also like