પાંચ ઝોનમાં આજથી સવારનો પાણી પુરવઠો નિયમિત અપાશે

અમદાવાદ: અમદાવાદ શહેરમાં છેલ્લા સપ્તાહથી શરૂ થયેલી પાણીની કટોકટીનો અંત આવ્યો છે અને આજથી સવારનો પાણી પુરવઠો રાબેતા મુજબ મળશે. શહેરના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ મધ્ય ઝોનમાં ઉભી થયેલી પાણીની કટોકટી અંગે સાંજે ૩ વાગ્યે રાસ્કા વોટર પ્રોજેક્ટમાં શેઢી કેનાલમાંથી પાણી પુરવઠો આપવાનો શરૂ થયો છે. હવે દરરોજ સવારે શહેરનાં પાંચ ઝોનમાં નિયમિત બે કલાક પાણી પુરવઠો અપાશે.

સિટી ઈજનેર હિતેશ કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે શેઢી કેનાલમાં પડેલા ગાબડાનું રિપેરિંગ કામ પૂર્ણ થઈ જતાં આજે બપોરે પાણીનો પુરવઠો પ્રાપ્ત થતાં રાસ્કા અને કોતપુરના વોટર પ્રોજેક્ટને પુનઃ કાર્યરત કરાયો છે. કોન્ટ્રાક્ટરે વાતચીતમાં જણાવ્યું હતું કે સાંજનો પાણી પુરવઠો હાલમાં નહીં ચાલુ કરાય આ અંગે પાણીની સ્થિતિનું મોનિટરિંગ કરીને પછી નિર્ણય કરાશે. સાંજના પાણી પુરવઠાની સત્તાવાર જાહેરાત કરાશે. દરમિયાનમાં આજે શહેરના પૂર્વ અને દક્ષિણ ઝોનમાં ૨૫૧ જેટલા ફેરા કરીને ટેન્કરો દ્વારા પાણી પુરવઠો આપવામાં આવ્યો હતો.

કોતરપુરની મેગા લાઈનમાં ભંગાણ ૧૨ લાખ ગેલેન પાણીનો વ્યય
શહેરમાં એક તરફ ટેન્કરોથી પાણી અપાય છે ત્યારે બીજી તરફ છેલ્લા ત્રણ દિવસથી દરરોજ ૧૨ લાખ ગેલેન પાણીનો વ્યય થઈ રહ્યો છે. મ્યુનિ. તંત્રની લાપરવાહીના કારણે પાણીનો જંગી જથ્થો રસ્તા ઉપર વહી ગયો છે. મળતી માહિતી મુજબ સૈજપુરના ન્યુ બંગલા એરિયામાં કોતરપુર વોટર પ્રોજેક્ટમાંથી મુખ્ય પાણીની મેગા લાઈન પસાર થાય છે. જેમાં છેલ્લા ત્રણ દિવસથી ભંગાણ સર્જાતા ઊંડા ખાડા પડી ગયા છે અને પાણી રસ્તા ઉપર વહી રહ્યું છે. જેના કારણે આ વિસ્તારમાં ચારે તરફ પાણી જ પાણી થઈ જતા વાહનચાલકો – રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

You might also like