મનુષ્યએ અનિચ્છાએ દુઃખની સગાઈ કબૂલ કરવી જ પડે

એક ગૃહસ્થ ખૂબ સુખી હતા. એમને કોઈ વાતનું દુઃખ નહોતું. એમનું આયોજન એવું હતું કે એમની ગણતરી બહારની કોઈ બીના બને તેવું એ માનવા તૈયાર જ નહોતા. એક દિવસ એમણે પત્નીને પોતાના ઘરના નાનકડા મંદિરમાં ચોાધાર આંસુએ રડતી અને ભગવાનને જાતજાતની કાકલૂદી કરતી જોઈ! પોતાના સુખની જડબેસલાક વ્યવસ્થા કરીને જીવતા પતિને આંચકો લાગ્યો. એણે પત્નીને પૂછ્યુંઃ “મેં બધું જ વ્યવસ્થિત ગોઠવેલું છે. મારા ઘરમાં દુઃખની કોઈ વાછટ આવી શકે તેમ નથી. મેં અહીં મારા ઘરમાં આંસુ માટે મુદ્દલ જગ્યા રાખી જ નથી. પછી તમારાં આ આંસુ ક્યાંથી આવ્યાં? આ આંસુ શેના માટે છે?”

પત્નીએ સંકોચ સાથે કહ્યુંઃ “મારી ત્રણ બહેનોમાં સૌથી નાની અને સૌથી વધુ રૂપાળી મારી બહેન ઉપર એટલું મોટું દુઃખ આવી પડ્યું છે કે તેના ચહેરાની કલ્પના કરતાંય મારું હૈયું રડી પડે છે. જેના રસોડે રોજ પચ્ચીસ-પચાસ માણસ જમતા હતા એ રસોડામાં આજે ચૂલા પર ઠંડું પાણી રેડાઈ ગયું છે! દાંત અને અન્નને વેર જેવું થઈ ગયું છે! એને હું શું આપું? તમને પૂછ્યા વગર તો હું એને કાંઈ પણ કઈ રીતે આપી શકું? ભગવાનને પ્રાર્થના કરું છું કે દયા કરે. મારી બહેનને આપવા માટે મારી પાસે તો મારાં પોતાનાં આંસુ સિવાય બીજું કશું જ નથી!”

પતિએ ક્રોધે ભરાઈને કહ્યુંઃ “પણ તારાં આ આંસુ અને રુદનને કારણે મારું સુખ હવાઈ જાય તેનું શું? તું મારી પત્ની ના હોત તો તારાં આંસુનો રેલો મારા સુધી આવત નહીં!” એક બીજા શ્રીમંત માણસને એકનો એક દીકરો. એની તબિયત ઓચિંતી બગડી ગઈ. તે જાણે સુકાવા માંડ્યો હતો. શ્રીમંત પિતાએ તો એકના એક પુત્રની સારવાર માટે નિષ્ણાત તબીબોની કતાર ખડી કરી દીધી. એક નિષ્ણાત તબીબે કહ્યું : “બધાં જ પરીક્ષણોના રિપોર્ટ જોયા. નખમાંય રોગ નથી. એના મનમાં ક્યાંક કાંટો છે અને એની જ આ બધી પીડા છે. તેને

ઊંડે ઊંડે કાંઈક ખટકી રહ્યું છે. એ શું છે તે જાણવું પડશે! એની ખબર પડે તો જ દવા-દારૂની અસર થાય!”શ્રીમંત પિતા અને માતાએ પુત્રને મનમાં જે કાંઈ હોય તેની પેટછૂટી વાત કરવા કહ્યું. પિતાએ કહ્યું “બેટા, તું અમારે એકનો એક જ છે. આવતા વર્ષે તારું વેવિશાળ કરવું છે, પછી ધામધૂમથી લગ્ન કરવાં છે અને ધંધાની લગામ પણ તને જ સોંપી દેવી છે. તને મનમાં જે કાંઈ હોય તે તું કહી દે!”
પુત્રે પોતાના દુઃખનું સાચું કારણ નિખાલસપણે જાહેર કર્યું ત્યારે તેનાં માતાપિતાની નવાઈનો પાર ન રહ્યો. એની સાથે શાળા-કૉલેજમાં ભણતો તેનો એક મિત્ર ખૂબ ગરીબ હતો અને હમણાં ક્ષય રોગનો ભોગ બન્યો હતો. આટાદાળના સાંસા હતા અને દવા-દારૂના પણ સાંસા. ગરીબ મિત્રને મદદરૂપ થવા એ તડપી રહ્યો હતો પણ પિતા પાસેથી મોટી રકમ મેળવવી કઈ રીતે એની મૂંઝવણમાં હતો.
જૂઠું બોલીને પિતા પાસેથી એ રકમ મેળવી શકત, પણ જૂઠું બોલતા જીભ ઊપડતી નહોતી અને સાચું કહેવાની હિંમત નહોતી. બાપ કદાચ અપમાન પણ કરી નાખે! તારો એ મિત્ર ગરીબ હોય અને રોગગ્રસ્ત હોય તો તે જાણે! આપણે શી લેવાદેવા! પહેલી વાત તો એ કે તારે આવા ભૂખડી બારસને મિત્ર બનાવવાની જરૂર જ ક્યાં હતી? તારે તારા દરજ્જાના મિત્રો રાખવા જોઈએ! એ ગરીબ હોય તો તેનાં કરમ! આપણે શું કરીએ.

આ કિસ્સામાં પણ બાપને પોતાના પુત્રના ‘સુખ’ ખાતર તેના ગરીબ મિત્રનું દુઃખ ખરીદવું પડ્યું. પિતાને આવા ખોટના સોદા કરવા મુદ્દલ ગમે જ નહીં પણ બીજો રસ્તો જ ન હતો! એકના એક દીકરા ઉપર જ પોતાના સુખનો દારોમદાર. પોતાના કુટુંબનો એ દીપક અને પોતાના ધંધાનો ધ્રુવતારો! માણસને તો સુખ સિવાયની કોઈ સગાઈ મંજૂર જ નથી પણ એ જેને પોતાનું ‘સુખ’ ગણતો હોય છે, એના સગપણમાં કોઈનું દુઃખ સામે આવે ત્યારે તેને અનિચ્છાએ પણ દુઃખની સગાઈ કબૂલ કરવી જ પડે છે.

home

You might also like