ખેલ મહાકુંભમાં તમે કઈ રીતે નોંધાયા!

ગુજરાતમાં જાન્યુઆરીના મધ્યથી શરૂ થઈ રહેલા ખેલ મહાકુંભનું રજિસ્ટ્રેશન હાલમાં જ પૂર્ણ થયું છે. જેમાં રાજ્યના લાખો રમતવીરોએ વિવિધ રમતો માટે નોંધણી કરાવી છે. રાજ્ય સરકાર એક તરફ ઓનલાઈન નોંધણીનો આગ્રહ રાખે છે, તો નોંધણી કરાવ્યા અંગેની લેખિત જાણ જિલ્લા અધિકારીને કરવી ફરજિયાત હોઈ રજિસ્ટ્રેશનની એક નકલ જિલ્લા કક્ષાએ અથવા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતને પણ મોકલવી પડે છે.

સરકારની આ બેવડી નીતિને કારણે રમતવીરોના પૈસા અને સમય બંને વ્યતીત થાય છે. ગ્રામ્ય કક્ષાના ખેલાડીઓ ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે તાલુકા કક્ષાએ ભાડું ખર્ચીને આવે છે અને સાયબર કેફેમાં પૈસા ખર્ચીને નોંધણી કરાવે છે. વળી, જિલ્લા કક્ષાએ કે સ્પોટ્ર્સ ઓથોરિટીમાં નકલ પહોંચાડવા પોસ્ટનો પણ ખર્ચ કરવો પડે છે.

વડાપ્રધાનની મહત્ત્વની યોજના ‘ડિજિટલ ઈન્ડિયા’ને સાર્થક કરવા સરકાર એક તરફ ઓનલાઈન પર ભાર મૂકીને પેપરલેસ કાર્યવાહીની વાતો કરે છે, બીજી તરફ હાર્ડ કોપી પહોંચાડવાનો આગ્રહ આ બધી પ્રક્રિયા પર પાણી ફેરવી દે છે. જોકે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના કેટલાક અધિકારીઓ ‘જો’ અને ‘તો’ની થિયરી અપનાવીને આ બંને પ્રક્રિયા ચાલુ રાખવા સમર્થન કરે છે.

અધિકારીઓનું ગણિત એવું છે કે, જો ઓનલાઈન અરજી ન મળે તો ઓફલાઈન અરજી તો મળી જ જાય. આ બાબત પરથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે, ઓથોરિટીને પોતે ઊભી કરેલી સિસ્ટમ ઉપર જ ભરોસો નથી અને ખેલાડીઓ પણ એ નક્કી નથી કરી શકતા કે, આપણે ઓનલાઈન નોંધાયા કે ઓફલાઈન!

You might also like