પ્રાદેશિક ફિલ્મો: ધીમી પરંતુ વિજયી ગતિ

જ્યારે પણ ભારતીય સિનેમાની વાત આવે ત્યારે બોલિવૂડ કે હિન્દી સિનેમા તરીકે ઓળખાતા એક મેમથ હાથીની છબી માનસપટ પર ઉપસી આવે છે. ભારત વિશ્વના અમુક ગણ્યાગાંઠ્યા દેશોમાંંનો એક છે જેની પાસે રાષ્ટ્રભાષા હિન્દી ઉપરાંત પ્રાદેશિક સિનેમાનું પણ અસ્તિત્વ છે,બાકી તો મોટાભાગના દેશોમાં ત્યાંની રાષ્ટ્રભાષા અથવા તો હોલિવૂડની ફિલ્મો પર જ આધાર રાખવો પડે છે.

બોલિવૂડની ફિલ્મો આપણી ભાષા તેમજ સ્થાનિક મૂલ્યો સાથે જોડાયેલી હોય છે. તેથી લોકો તેને વધુ સંવેદનશીલતા સાથે જુએ છે. તેમાં પણ પ્રાદેશિક ભાષાની ફિલ્મો તો આપણાં મૂળ સુધી વધુ ને વધુ જોડાયેલી હોય છે, તેથી જો તે સારી રીતે નિર્માણ પામી હોય તો અસરકારતાની દૃષ્ટિએ તે અગ્રીમ રહેવાની. દક્ષિણમાં ત્યાંની ભાષાઓનું સિનેમા અને તેના કલાકારોનું કેવું વર્ચસ્વ છે તે બાબતની સૌને જાણ છે. માર્કેટિંગથી લઈ રાજકારણમાં દક્ષિણના કલાકારોનો દબદબો છે.

તેલુગુ ભાષાની ફિલ્મોની લોકપ્રિયતા તો હવે આંધ્રપ્રદેશ કે તેલંગણના સીમાડા વટાવી ચૂકી છે. તેલુગુ ભાષાની ફિલ્મો હિન્દીમાં ડબ થઈ ભારતભરમાં રિલીઝ થવા લાગી છે ઉપરાંત હિન્દી ફિલ્મો દર્શાવતી દરેક ચેનલ પર મોટાભાગે હિન્દીમાં ડબ થયેલી તેલુગુ ફિલ્મો જ આવતી હોય છે, કારણ કે હજુ પણ તે અન્ય ભાષાના પ્રેક્ષકોને આકર્ષે છે. મહેશ બાબુ, અલ્લુ અર્જુન, રવિ તેજા, રામચરન તેજા હવે જાણીતા ચહેરાઓ બની ગયા છે. બોલિવૂડના સુપરસ્ટાર્સને ચમકાવતી અને બોક્સઓફિસ પર ધરખમ વકરો કરનારી ઘણીખરી ફિલ્મો દક્ષિણની જ કોઈ સુપરહિટ ફિલ્મની રિમેક હોય છે. તેલુગુમાં બનેલી ‘મખ્ખી’, ‘મગધીરા’, ‘બાહુબલિ’, ‘પોકિરી’ (હિન્દી વોન્ટેડની ઓરિજિનલ ફિલ્મ) વગેરે ફિલ્મો આજ પણ ટેલિવિઝન પર સારા એવા દર્શકો મેળવી રહી છે, તો બીજી તરફ બાહુબલિના બીજા ભાગની તૈયારીઓ અને નિર્માણ એ તે ફિલ્મ ઉદ્યોગની સફળતાની સફર આડકતરી રીતે દર્શાવે છે

તમિલ ફિલ્મો પણ

તો બીજી તરફ તમિલનાડુના તમિલ ફિલ્મ ઉદ્યોગના પર્યાય સમાન રજનીકાંત અને તેની લોકપ્રિયતાના કિસ્સાઓ જાણીતા જ છે. ફિલ્મસ્ટારને કલ્ટ આઈકન ગણવાની શરૂઆત કદાચ એમટીઆર, જયલલિતા અને રજનીકાંત જેવા કલાકારોના ચાહકોએ જ શરૂ કરી હશે. ‘શિવાજી’, ‘રોબોટ’, ‘સિંગા’, ‘કોચાદૈયાં’ તેમજ ‘કબાલી’ બાદ રજનીકાંત ‘રોબોટ’ના બીજા ભાગના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં અક્ષય કુમાર વિલનની ભૂમિકા ભજવી રહ્યા છે. ‘નાયક’ અને ‘જેન્ટલમેન’ જેવી ફિલ્મો દિગ્દર્શિત કરી ચૂકેલા એસ.શંકર જ આ ફિલ્મના દિગ્દર્શક છે. તમિલ ફિલ્મોની નવી પેઢીમાં વિક્રમ અને સૂરિયા સુકાન સંભાળી રહ્યા છે. વિક્રમની હાલ નિર્માણાધીન ફિલ્મ ‘ધ્રુવા નટચરિત્રમ’નું ટ્રેલર જોઈ કળી શકાય છે કે તેમણે હોલિવૂડની કક્ષાની સ્પાય થ્રિલર તૈયાર કરી હશે, તો બીજી તરફ તાજેતરમાં રિલીઝ થયેલી સૂરિયાની ‘ સિંઘમ-૩’ ફિલ્મે મબલખ આવક અને પ્રશંસા મેળવ્યા છે, અજય દેવગણની ‘સિંઘમ’ સિરીઝની બંને ફિલ્મો આ ફિલ્મો પર જ આધારિત હતી.

મરાઠી સિનેમામાં નવો પ્રવાહ

તેલુગુ કે તમિલ ફિલ્મોના નિર્માણમાં ભલે કરોડો રૂપિયા ઠાલવી દેવામાં આવતા હોય પરંતુ પ્રમાણમાં ઓછા બજેટમાં પરંતુ વાસ્તવદર્શી ફિલ્મો બનાવવાનું કામ હાલ મરાઠી સિનેમાજગત કરી રહ્યું છે. લેખકો, દિગ્દર્શકો અને કલાકારોની નવી પેઢી મરાઠી સિનેમા માટે એક અલગ યુગનું નિર્માણ કરી રહી છે. તેમાં પણ ચાર કરોડ રૂપિયાના બજેટમાં બનેલી ‘સૈરાટ’ ફિલ્મે જ્યારે ૧૦૦ કરોડ રૂપિયાથી પણ વધુનો વકરો કર્યો ઉપરાંત પ્રેક્ષકો અને સમીક્ષકોની ચાહના મેળવી ત્યારે સમગ્ર દેશનુંં ધ્યાન મરાઠી સિનેમા તરફ ખેંચાયું હતું. નિશિકાંત કામત દિગ્દર્શિત અને રિતેશ દેશમુખ અભિનીત ‘લય ભારી’ પણ બોક્સઓફિસ પર સફળ સાબિત થઈ હતી. મરાઠી નાટ્યભૂમિ અને તેના દિગ્ગજો વિશે વાત કરતી ફિલ્મ ‘નટસમ્રાટ’ હજુ પણ ટેલિવિઝન ચેનલો પર બહોળા પ્રેક્ષકો મેળવી રહી છે. આ ફિલ્મમાં નાના પાટેકરે નિવૃત્ત થયેલા નાટ્યકારની ભૂમિકા ભજવી છે,જે શેક્સપિયરથી લઈ મરાઠી લોકવાર્તાઓનો ઊંડો અભ્યાસુ છે. મહેશ માંજરેકરે આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. તો બીજી તરફ ‘અધિવેશન’, ‘પ્રેમાય નમઃ’, ‘કાસવ’ જેવી ઘણી ફિલ્મો આ વર્ષે રિલીઝ થવાની છે.

મલયાલમ, પંજાબી, બંગાળી તેમજ કન્નડ ફિલ્મો પણ તેની પહેલાંની ગતિએ આગળ વધી રહી છે, તો રાજસ્થાની અને ભોજપુરી ફિલ્મો પણ જૂજ પ્રેક્ષકોને અનુરૂપ ફિલ્મો આપી નાના એવા વર્તુળમાં સમાયેલી છે.

ગુજરાતી ફિલ્મોમાંં પણ હવે ત્રણ-ચાર મહિને એકાદ પ્રયોગાત્મક અને સારી કહી શકાય તેવી ફિલ્મો રિલીઝ

થઈ રહી છે. અન્ય ભાષાઓની ફિલ્મોની જેમ અહીં પણ ગુણવત્તા અને નવું કન્ટેન્ટ આપનારા જ ટકી શક્યા છે.

You might also like