`પદ્માવતિ’ ફિલ્મ પર પ્રતિબંધ મામલે હસ્તક્ષેપ કરવા HCનો ઈનકાર

પદ્માવતી ફિલ્મની રજૂઆતને લઈને વિવાદ દિવસે ને દિવસે વધતો જાય છે. ગુજરાત હાઈકોર્ટમાં આ ફિલ્મની રજૂઆત પર પ્રતિબંધ મૂકવા માટે જાહેર હિતની અરજી પણ થઈ હતી. જેની સુનાવણીમાં હાઈકોર્ટે ફિલ્મની રજૂઆત પર હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરી દીધો છે. એટલું જ નહીં હાઈકોર્ટે અરજદારને ટકોર કરી હતી કે, અરજદાર પોતાનાં વાંધા જે પણ હોય તેને સેન્સરબોર્ડ સમક્ષ રજૂ કરે. જો વાંધા યોગ્ય હશે તો સેન્સર બોર્ડ તેનાં પર જરૂરથી પગલાં લેશે. ઉલ્લેખનીય છે કે, અરજદારે ફિલ્મમાં પદ્માવતીનાં ચરિત્રની રજૂઆતને મામલે કોર્ટમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા જાહેર હિતની અરજી કરી હતી જેને હાઈ કોર્ટે અમાન્ય ઠેરવી હતી.

આ ફિલ્મમાં રાણી પદ્માવતીને ખોટી રીતે રજુ કરવામાં આવતી હોવાંને લીધે કરણી સેના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. છેલ્લાં કેટલાય દિવસોથી દેશનાં વિવિધ ભાગોમાં આ ફિલ્મને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે.

આ ફિલ્મનો વિરોધ કરનાર કરણી સેનાનાં વકીલ પ્રિતેશ શાહે જણાવ્યું કે અમે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ફિલ્મનાં પ્રિ-સ્ક્રિનિંગની માગણી કરી હતી જેથી ફિલ્મને કઈ રીતે રજૂ કરવામાં આવી છે તે જાણી શકાય. પરંતુ ફિલ્મનાં નિર્માતા સંજય લીલા ભણસાલીએ કોર્ટ સમક્ષ મૌખિક નિવેદન આપ્યું છે કે ફિલ્મમાં કોઈ પણ પ્રકારનાં વાંધાજનક દ્રશ્ય કે પ્રવૃતિઓ દર્શાવવામાં આવશે નહી. સંજય લીલા ભણસાલીનાં આ નિવેદન બાદ ગુજરાત હાઈકોર્ટે ફરિયાદને ડિસ્પોઝ કરી છે. આ સમગ્ર નિવેદનનું રેકોર્ડિંગ પણ કરાયું છે.

આ ફિલ્મને લઈને સુપ્રિમ કોર્ટમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે સેન્સર બોર્ડને ફિલ્મને સર્ટીફિકેટ રજૂ કરતી વેળાએ કરણી સેનાની માંગણીઓને ધ્યાનમાં રાખવાની ટકોર પણ કરી હતી. સેન્સર બોર્ડ દ્વારા આ ફિલ્મને હજી પણ સર્ટિફીકેટ આપવામાં આવ્યું નથી. કોર્ટનાં આદેશ વિરૂદ્ધ જો સંજય લીલા ભણસાલી ફિલ્મમાં દ્રશ્યો રજૂ કરશે તો આ મુદ્દે આગળ સુપ્રિમ કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવશે.

You might also like