શેરબજારમાં ઘટાડા બાદ સુધારાની ચાલ જોવાઈ, IT કંપનીના શેર સુધર્યા

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર નીચા ગેપથી ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૧૧ પોઇન્ટના ઘટાડે ૩૬,૨૨૮, જ્યારે એનએસઇ નિફ્ટી છ પોઇન્ટના ઘટાડે ૧૦,૯૪૪ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી, જોકે ઘટાડે રિકવરી નોંધાઇ હતી. સેન્સેક્સમાં ૪૫ પોઇન્ટનો સુધારો નોંધાઇ ૩૬,૨૮૫, જ્યારે નિફ્ટીમાં ૧૧ પોઇન્ટનો સુધારો નોંધાઇ ૧૦,૯૫૮ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

ઓટો, રિયલ્ટી, એફએમસીજી, ફાર્મા સેક્ટર રેડ ઝોનમાં જોવાયા હતા, જ્યારે આઇટી સેક્ટરની અગ્રણી કંપની ટીસીએસના ગઇ કાલે જાહેર થયેલા પરિણામ અપેક્ષા કરતા સારા આવતા આજે શરૂઆતે બે ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. વિપ્રો, ટેક મહિન્દ્રા કંપનીના શેરમાં પણ ૦.૯૦ ટકાથી બે ટકાનો સુધારો જોવા મળ્યો હતો.

દરમિયાન ઓઇલ કંપનીના શેર જેવા કે એચપીસીએલ, બીપીસીએલમાં પણ સુધારાની ચાલ જોવા મળી હતી. એચપીસીએલનો શેર ૦.૭૮ ટકાના સુધારે ૨૭૦.૪૦, જ્યારે બીપીસીએલનો શેર ૦.૬૩ ટકાના સુધારે ૩૭૭.૬૦ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો.

તો બીજી બાજુ ટ્રેડવોરની ચિંતાના પગલે ફરી એક વખત મેટલ કંપનીના શેરમાં આજે ઊંચા મથાળેથી પ્રોફિટ બુકિંગની ચાલ જોવા મળી હતી. વેદાન્તા, હિંદાલ્કો, કોલ ઇન્ડિયા કંપનીના શેરમાં એકથી ૧.૯૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

બજારના જાણકારોના કહેવા પ્રમાણે સેન્ટિમેન્ટ જોતાં શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ જોવા મળી શકે છે. રોકાણકારોની નજર ટીસીએસ બાદ હવે શુક્રવારે જાહેર થનારા ઇન્ફોસિસ કંપનીના પરિણામ ઉપર મંડાયેલી છે.

મેટલ કંપનીના શેરમાં પ્રોફિટ બુકિંગ
હિંદાલ્કો ૧.૭૨ ટકા
હિંદુસ્તાન ઝિંક ૨.૪૪ ટકા
કોલ ઈન્ડિયા ૧.૧૯ ટકા
સેઈલ ૧.૧૭ ટકા
ટાટા સ્ટીલ ૦.૬૩ ટકા

ટીસીએસ કંપનીનો શેર બે ટકા અપ
આઈટી સેક્ટરની અગ્રણી કંપની ટીસીએસના ગઈ કાલે જાહેર થયેલા પ્રથમ ત્રિમાસિક સમયગાળાનાં પરિણામ અપેક્ષા કરતાં સારાં આવતાં આજે શરૂઆતે આ કંપનીના શેરમાં બે ટકાનો ઉછાળો નોંધાયો હતો. આજે શરૂઆતે આ કંપનીનો શેર ૧૯૧૮ના મથાળે ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો. ગઈ કાલે છેલ્લે આ કંપનીનો શેર રૂ. ૧૮૭૭ના મથાળે બંધ જોવા મળ્યો હતો. આજે શરૂઆતે એક તબક્કે આ કંપનીનો શેર રૂ. ૧૯૨૬ના મથાળે પહોંચી ગયો હતો.

You might also like