CBIના નવા બોસ માટે રિના મિત્રા, વાય.સી. મોદી અને ઓ.પી.સિંહ રેસમાં

નવી દિલ્હી: સીબીઆઇ ડાયરેકટરપદેથી આલોક વર્માના રાજીનામા બાદ હવે સીબીઆઇના નવા ડાયરેકટર માટે ખોજ શરૂ થઇ ગઇ છે. પરંપરા અનુસાર સીબીઆઇ ડાયરેકટર નિવૃત્ત થવાના એક મહિના પહેલાં તેમના ઉત્તરાધિકારીની ખોજ શરૂ થઇ જતી હોય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ચીફ વિજિલન્સ કમિશનર (સીવીસી)એ ૧૦ અધિકારીઓની એક પેનલ તૈયાર કરી છે, જેમાં ૧૯૮૩, ૧૯૮૪ અને ૧૯૮પની બેચના અધિકારીઓનો સમાવેશ થાય છે. લિસ્ટમાં રીના મિત્રા ઉપરાંત ઉત્તર પ્રદેશ કેડરના ૧૯૮૩ના અધિકારી રાજીવરાય ભટનાગરના નામનો સમાવેશ થાય છે. ભટનાગર હાલ સીઆરપીએફના જનરલ ડાયરેકટર છે.

ઉત્તર પ્રદેશ કેડરના ૧૯૮૪ની બેચના અધિકારી રજનીકાંત મિશ્રાનું નામ પણ સીવીસીના લિસ્ટમાં છે, જેઓ હાલ બીએસએફના જનરલ ડાયરેકટરની જવાબદારી સંભાળી રહ્યા છે. ૧૯૮૪ની બેચના આસામ-મેઘાલય કેડરના વાય.સી. મોદીનું નામ પણ સીબીઆઇ ડાયરેકટરની યાદીમાં છે.

આ ઉપરાંત ૧૯૮પની બેચના આઇપીએસ અધિકારી અને મુંબઇના પોલીસ કમિશનર સુબોધકુમાર જયસ્વાલ, ઉત્તર પ્રદેશના ડીજીપી ઓ.પી.સિંહના નામ પણ સીબીઆઇ ડાયરેકટરની રેસમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઇ ડાયરેકટર પદ માટે આખરી નિર્ણય રિના મિત્રા અને વાય.સી. મોદી વચ્ચે થઇ શકે છે.

આ બંને અધિકારીઓ વડા પ્રધાન મોદીની છાવણીના અધિકારીઓ માનવામાં આવે છે. તેમને આ અગાઉ સીબીઆઇમાં ૧૦ વર્ષ કામ કરવાનો પણ અનુભવ છે. વાય.સી. મોદી ર૦૦રમાં ગુજરાત રમખાણોની તપાસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલ ટીમમાં હતા.

જોકે વાય.સી. મોદી માટે થોડી મુશ્કેલી પડી શકી છે. કારણ કે અસ્થાના અને વાય.સી. મોદી બંને ૧૯૮૪ની બેચના અધિકારી છે. સરકારની નિકટના સૂત્રો રાકેશ અસ્થાનાને સીબીઆઇ ડાયરેકટર બનાવવાની સંભાવના નકારી કાઢતા નથી, પરંતુ દિલ્હી હાઇકોર્ટે એફઆઇઆર રદ નહીં કરીને તપાસના આદેશ કરતાં હવે તેમની શકયતાને બ્રેક લાગી ગઇ છે.

You might also like