રાજ્યમાં ઠંડીમાં ઘટાડો અમદાવાદમાં ૧૩ ડિગ્રી

અમદાવાદ: રાજ્યમાં છેલ્લાં કેટલાંક દિવસોથી પડતી કાતિલ ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. સૌથી વધુ ઠંડી વલસાડમાં ૧૦.૧ ડિગ્રી નોંધાઈ હતી. જયારે બાકીના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ૧૦ થી ૨૦ ડિગ્રી વચ્ચે રહ્યો હતો. હવામાન વિભાગ તરફથી કોલ્ડવેવની આગાહી કરવામાં આવી નથી.  ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના પગલે રાજયમાં છેલ્લાં ઘણા દિવસોથી કાતિલ ઠંડી પડી રહી છે.

ઠંડીમાં આંશિક ઘટાડો થયા બાદ ગઇકાલે ઠંડીમાં વધુ ઘટાડો થતા લોકોએ રાહત અનુભવી હતી. લઘુતમ તાપમાનમાં સતત થતી વધઘટના કારણે ગત સપ્તાહની સરખામણીએ આ સપ્તાહના આરંભે ઠંડીમાં ઘટાડો અનુભવાયો છે. અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાનમાં વધારો થયો હતો. જેના કારણે ઠંડીનું પ્રમાણ ઘટવા પામ્યુ હતુ. લગભગ બે સપ્તાહ કડકડતી ઠંડી પડયા બાદ છેલ્લાં બે દિવસથી ઠંડીમાં થોડો ઘટાડો થતા લોકોએ રાહત અનુભવી હતી.

રાજ્યના વિવિધ મહાનગરોમાં નોંધાયેલું લઘુતમ તાપમાન આ મુજબ રહ્યુ હતુ. જેમાં અમદાવાદમાં ૧૩ ડિગ્રી, ડીસામાં ૧૨.૭, ગાંધીનગરમાં ૧૨, વડોદરામાં ૧૪, સુરતમાં ૧૪.૨, વલસાડમાં ૧૦.૧, અમરેલીમાં ૧૧, ભાવનગરમાં ૧૫, રાજકોટમાં ૧૬.૮, વેરાવળમાં ૧૮.૪, સુરેન્દ્રનગરમાં ૧૪.૮, ભુજમાં ૧૪, નલિયામાં ૧૧.૨, કંડલા પોર્ટ પર ૧૩, કંડલા એરપોર્ટ પર ૧૩.૨, દ્રારકામાં ૧૬.૬ અને પોરબંદરમાં ૧૯.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતુ.  હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસમાં રાજયમાં કોલ્ડ વેવની સ્થિતિમાં વધારો થાય તેવી શક્યતા નથી તેથી ઠંડીનું પ્રમાણ યથાવત રહે તેવી સંભાવના છે.

You might also like