GSTમાં કરમુક્ત ચીજોનું લિસ્ટ ઘટશે

નવી દિલ્હી: જીએસટી કાઉન્સિલની બેઠકમાં રેટ અંગે સંમતિ સધાઇ નથી, જોકે આગામી બેઠકમાં આ અંગે નિર્ણય લેવાઇ જશે, જોકે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જેવી કે મીઠું, શાકભાજી, ફળ, ઇંડાં, દહીં, ધાર્મિક સ્થળે વેચાતો પ્રસાદ, બ્રેડ જેવી ચીજવસ્તુઓ ઉપર ટેક્સ રાહત ચાલુ રહેશે. એટલું જ નહીં કાયમી બંગડી, સિંદૂર તથા ગર્ભનિરોધકો સહિતની ચીજવસ્તુઓ પર કરમુક્તિ ચાલુ રહેશે, જોકે જીએસટીમાં કરમુક્તિ ચીજવસ્તુઓનું લિસ્ટ નાનું રહે તેવી શક્યતા છે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને પાંચ વર્ષ સુધી જીએસટીની અમલવારીથી થતાં નુકસાનને ભરપાઇ કરવાની બાંયધરી આપી છે. સરકારને આ અંગે મોટા પ્રમાણમાં નાણાં ઊભાં કરવાની આવશ્યકતા રહેશે. જીએસટી કાઉન્સિલે ચાર સ્લેબમાં ટેક્સ લાદવાની તમામ તૈયારીઓ કરી લીધી છે, જેમાં કીમતી ધાતુઓ ઉપર ચાર ટકા, જ્યારે અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ઉપર છ ટકાના દરે ટેક્સ લાદવામાં આવી શકે છે. જ્યારે ન્યૂટ્રલ રેટ ૧૨ ટકા અને ૧૮ ટકાના દરે રહેશે, જ્યારે ૨૬ ટકાનો ચોથાે જીએસટી ટેક્સ સ્લેબ નાખવામાં આવી શકે છે. જ્યારે પ્રદૂષણ ફેલવાતી કેટલીક ચીજવસ્તુઓ ઉપર સેસ પણ લાદવામાં આવી શકે છે.

You might also like