ચણાના ભાવમાં સતત ઘટાડોઃ દિવાળી બાદ ભાવ ૩૦ ટકા તૂટ્યા

અમદાવાદ: હોળી બાદ બજારમાં કઠોળની આવક વધી છે. ખાસ કરીને ચણાની આવકમાં મોટો વધારો નોંધાયો છે અને તેના લીધે ચણાના ભાવમાં સતત ઘટાડાની ચાલ જોવા મળી રહી છે.વાયદા બજારમાં પણ ચણાના ભાવમાં ડાઉન ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. વાયદા બજારમાં ચણાના ભાવમાં બે ટકાથી વધુનો ઘટાડો ગઇ કાલે જોવાયો હતો.

દરમિયાન હાજર બજારમાં ઘટતા જતા ભાવના પગલે ચણાના ભાવ ૫૫થી ૬૫ની સપાટીએ પહોંચી ગયા છે. ઘટતા જતા ભાવના પગલે કઠોળની આયાત બંધ કરવાની માગ પ્રોસેસર્સ અને ટ્રેડર્સ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મોટા ભાગના કઠોળની કિંમત લઘુતમ ટેકાના ભાવ કરતા નીચી ચાલી રહી છે. ટ્રેડર્સ માર્ચના અંત સુધીમાં નિયંત્રિત આયાત પર પ્રતિબંધ લગાવવાની માગ કરી રહ્યા છે.

ભારતે કઠોળની વાર્ષિક આયાત પર ૫૦ લાખ ટન ક્વોટાની મર્યાદા લાદી દીધી છે. વેપારીઓના કહેવા પ્રમાણે હાલ નવી આવક આવી રહી છે. એવામાં તુવેર, મગ, ચણા જેવા મોટા ભાગના કઠોળની ઘરઆંગણાની કિંમત લઘુતમ ટેકાના ભાવ કરતા નીચી ચાલી રહી છે અને તેના પગલે કઠોળ પકવતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઇ છે. ઓગસ્ટ-૨૦૧૭માં સરકારે તુવેર, મગ અને અડદની આયાત નિયંત્રિત કરી હતી.

બીજી બાજુ કઠોળની નિકાસને એક દાયકા કરતા વધારે સમયથી મંજૂરી આપવામાં આવી નથી. તેમાં પણ ગયા વર્ષે મુક્તિ આપવામાં આવી હતી, જોકે આ બંને પ્રકારનાં પગલાં ઘરઆંગણાની કિંમતને ખાસ ટેકો આપી શક્યા નથી. સરકારના અંદાજ અનુસાર ભારતે એપ્રિલ-૨૦૧૭થી નવેમ્બર-૨૦૧૭ દરમિયાન ૪૭ લાખ ટન કઠોળની આયાત કરી હતી.

કાલુપુર હોલસેલ બજારના વેપારીઓના જણાવ્યા પ્રમાણે બજારમાં મોટા પ્રમાણમાં આવક ‍વધી રહી છે અને તેના કારણે ચણાના ભાવમાં સતત ઘટાડાની ચાલ જોવા મળી છે. દિવાળી બાદ ચણાના ભાવમાં પ્રતિકિલોએ ૨૦થી ૨૫ રૂપિયાનો ઘટાડો જોવાઇ ચૂક્યો છે. તેઓના કહેવા પ્રમાણે વધતી જતી આવકના પગલે હજુ પણ ભાવમાં વધુ ઘટાડો નોંધાય તેવી શક્યતા છે.

You might also like