લાલ મરચાંના લાલચોળ ભાવ, બારમાસી મરચું ખરીદવા બજેટ વધારવું પડશે

અમદાવાદ, સોમવાર
બારમાસી મસાલા ભરવાની સિઝન ટૂંક સમયમાં શરૂ થઇ રહી છે ત્યારે ગૃહિણીઓએ લાલ મરચાંના પાઉડર માટે બજેટ વધારવું પડશે. લાલ મરચાંના ભાવમાં લાલચોળ તેજી ઊભી થઇ છે. ગત વર્ષે હોલસેલમાં રૂ.૩પ કિલો વેચાતાં મરચાંના ભાવ આ વર્ષે રૂ.૭પની આસપાસ બોલાઇ રહ્યા છે. જ્યારે સારી કવોલિટીનાં મરચાંના ભાવ રૂ.૧૧૦ પ્રતિકિલો ખેડૂતોને મળી રહ્યા છે, જે છૂટક બજારમાં પહોંચતાં સુધી રૂ.૧પ૦ પ્રતિકિલો થઇ જશે.

ગુજરાતમાં ફેબ્રુઆરી માસમાં મરચાંની સિઝન શરૂ થઇ જાય છે. હાલમાં પ્રતિગુણી મરચાંનો ર૦ કિલોનો હોલસેલ ભાવ રૂ.૧૧૦૦થી ૩પ૦૦ સુધી પહોંચ્યો છે. દેશમાં ગત વર્ષે મરચાંનું ઉત્પાદન ૧૯ લાખ ટન થયું હતું, જે આ વર્ષે ઘટીને ૧રથી ૧૩ લાખ ટન થયું છે.

આ વર્ષે રાજ્યમાં ૧૪,૦૦૦ હેક્ટરમાં મરચાંનું વાવેતર થયું છે. તેથી સૂકાં મરચાંનું ઉત્પાદન ર૬,૦૦૦ ટન આસપાસ રહે છે. આ વર્ષે રાજ્યમાં મરચાંના પાકમાં ફૂગ આવી છે અને વાવેતર પણ અોછું થયું છે. ૧૭ લાખ ટન મરચાંની માગ સામે ૧રથી ૧૩ લાખ ટન ઉત્પાદન થતાં મરચાંની ડિમાન્ડમાં વધારો થશે, જેના કારણે ભાવમાં ઉછાળો રહેશે.

આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને ગુજરાતમાં વાવેતર ઘટ્યું છે. ગત વર્ષે મરચાંના સતત ભાવ ઘટાડાના પગલે આ વર્ષે ખેડૂતોએ મરચાંના વાવેતરમાં ઉદાસીનતા દાખવી છે. હાલમાં મરચાંના ભાવ ગત વર્ષની તુલનાએ બે ગણાથી વધારે છે. ગત વર્ષે ખેડૂતોને મરચાંના પાકમાં ભારે નુકસાન થયું હતું.

ગત વર્ષે મરચાંનાે ભાવ રૂ.૧,પ૦૦થી ર,૦૦૦ પ્રતિક્વિન્ટલ હતો, જેના કારણે કપાસનું વાવેતર વધી જતાં હવે આ વર્ષે પ્રતિક્વિન્ટલ ભાવ રૂ.૯,૦૦૦થી ૧૧,૦૦૦ થયો છે. દેશમાં મરચાંના કુલ ઉત્પાદનના પ૦ ટકા ઉત્પાદન આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં થાય છે. આ વર્ષે બંને રાજ્યમાં ઉત્પાદન ઘટીને પ૦ ટકાઅે પહોંચ્યું છે.

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત મરચાંની ખેતી માટે પ્રખ્યાત છે. મરચાંની ખેતીનું ૧૪,૦૦૦ હેકટરમાં વાવેતર થાય છે, જેની ર૬,૦૦૦ ટન આવક થાય છે. સુરેન્દ્રનગર, મહેસાણા, બનાસકાંઠા, તાપી, દ્વારકા, ગાંધીનગર અને રાજકોટ જિલ્લામાં સૌથી વધુ મરચું પાકે છે. ગોંડલ રેશમપટ્ટી મરચાં માટે પ્રખ્યાત છે. બારમાસી મરચાંની આવક શરૂ થઇ ગઇ છે. દેશી મરચાંની સિઝન પૂરી થવા આવી છે.

મધ્યપ્રદેશમાં પણ મરચાંની આવક સતત ઘટી રહી છે. હવે મરચાંના ભાવ ઘટવાની શકયતા નહિવત્ છે. તેથી ગૃહિણીઓએ હવે મરચાં પાઉડર બાર મહિના ભરવા માટે બમણાથી વધુ ભાવ ચૂકવવાની તૈયારી રાખવી પડશે.

You might also like