રોડના કોન્ટ્રાક્ટર પાસેથી રિકવરી વસૂલવામાં ઈજનેર વિભાગનાં ઠાગાઠૈયોં

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે શહેરના બિસ્માર રસ્તા અને ટ્રાફિકની સમસ્યા અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના વિવિધ અધિકારીઓની જવાબદારી નક્કી કરી હતી અને જો અધિકારીઓ પોતાની જવાબદારી નિભાવવામાં બેદરકારી દાખવે તો તેમની વિરુદ્ધ કોર્ટ તિરસ્કારની જોગવાઈ હેઠળ કાર્યવાહી કરવાનો પણ આદેશ આપ્યો હતો.

દરમિયાન રોડના કોન્ટ્રાક્ટર પાસેથી રૂ. સાડા છ કરોડની રિકવરી કરવાના મામલે ઈજનેર વિભાગના ટોચના અધિકારીઓના ઠાગાઠૈયા પ્રકાશમાં આવતાં તેમની બેજવાબદારી વિવાદાસ્પદ બની છે.

કેટલાક દિવસ અગાઉ મ્યુનિસિપલ તંત્રના વિજિલન્સ વિભાગ દ્વારા રોડના કામકાજની ગેરરીતિના મામલે કસૂરવાર ઠરેલા કોન્ટ્રાક્ટર પાસેથી આશરે રૂ. સાડા છ કરોડની રિકવરીની વસૂલાત કરવા તમામ ઝોનના ડેપ્યુટી કમિશનર અને ઈજનેર વિભાગના એડિશનલ સિટી ઈજનેરને કડક સૂચના આપી હતી.

વિજિલન્સ વિભાગના ટોચનાં વર્તુળ કહે છે કે જે તે ઝોનના એડિશનલ સિટી ઈજનેરને તેમના ઝોનમાં નબળા પુરવાર થયેલા રોડના કોન્ટ્રાક્ટર પાસેથી રિકવરી કરવાની કડક તાકિદ કરાઈ હોવા છતાં પણ આ દિશામાં હજુ સુધી એક પણ એડિશનલ સિટી ઈજનેરે કોઈ કાર્યવાહી કરી નથી.

બીજી તરફ એક એડિશનલ સિટી ઈજનેરને આ અંગે પૂછતાં તેઓ કહે છે કે અમારે કોન્ટ્રાક્ટર પાસેથી રિકવરીની વસૂલાત કરવાની નથી.

આ બાબત તો વિજિલન્સ વિભાગની જવાબદારી થાય છે. જોકે વિજિલન્સ વિભાગના ટોચનાં સૂત્રો સ્પષ્ટ પણે કહે છે કે એડિશનલ સિટી ઈજનેર પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યાં હોઈ આ ખરેખર શરમજનક બાબત છે.

You might also like