રિયલ્ટી સેક્ટરમાં ૮૦ ટકા પૂછપરછ ઘટી

અમદાવાદ: નોટબંધીને એક મહિના કરતાં વધુ સમય થઇ ગયો છે. અન્ય સેક્ટરની સાથેસાથે રિયલ્ટી સેક્ટરમાં પણ તેની સીધી અસર થઇ છે. રિયલ્ટી સેક્ટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે નોટબંધી બાદ ૮૦ ટકાથી વધુ પૂછપરછ બંધ થઇ ગઇ છે. ખાસ કરીને લક્ઝુરિયસ સેગ્મેન્ટમાં તેની નોંધપાત્ર અસર વર્તાઇ રહી છે. આ સેગ્મેન્ટમાં ઇન્કવાયરી અટકી ગઇ છે.

રિયલ્ટી સેક્ટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે નોટબંધી બાદ ઊભી થયેલી પરિસ્થિતિના પગલે ખરીદદારો હજુ વધુ ભાવ ઘટે તેની રાહ જોઇ રહ્યા છે એટલું જ નહીં, સરકારની નાણાકીય નીતિમાં પણ હજુ વધુ સ્પષ્ટતાની રાહ જોઇ રહ્યા છે. તેઓના કહેવા પ્રમાણે આગામી માર્ચ સુધી આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી શકે છે.

આ વાતને સમર્થન આપતાં અમદાવાદ રિયલ્ટર્સ એસોસિયેશનના પ્રમુખ પ્રવીણ બાવડિયાએ જણાવ્યું કે નોટબંધી પૂર્વે એટલે કે ઓક્ટોબર મહિનાની સરખામણીએ નવેમ્બરમાં ઇન્કવાયરીમાં ૮૦ ટકાથી વધુ ઘટાડો નોંધાઇ ચૂક્યો છે. તો બીજી બાજુ કેટલાક બિલ્ડર્સ કારોબાર ઘટવાના કારણે ૨૦થી ૩૦ ટકા જેટલું ડિસ્કાઉન્ટ પણ ઓફર કરી રહ્યા છે, જોકે રિયલ્ટી સેક્ટરના કેટલાક જાણકારોના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી રિયલ એસ્ટેટ સેક્ટરમાં ચેકથી નાણાકીય વ્યવહારનું પ્રમાણ વધ્યું છે. નોટબંધીથી સામાન્ય નરમાઇની અસર થશે, પરંતુ લાંબા ગાળે તેનો ફાયદો જોવાશે.

આ અંગે રિયલ એસ્ટેટ ડેવલોપર્સ વિજયભાઇ શાહે જણાવ્યું હતું કે રાજ્યમાં રિયલ એસ્ટેટ રોગ્યુલેટરી ઓથોરિટીનો કાયદો અમલી બન્યો છે, જેમાં કેટલીક સ્પષ્ટ જોગવાઇ છે. તેના કારણે ગ્રાહકોને ચોક્કસ ફાયદો થશે. તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી કાયદેસરનાં નાણાંનો વ્યવહાર વધ્યો છે. નોટબંધી બાદ તેમાં વધારો થશે.
http://sambhaavnews.com/

You might also like