હવે બાનાખત માટે પણ ‘રેરા’ સર્ટિફિકેટ ફરજિયાત થયું

અમદાવાદ, ગુરુવાર
દેશભરમાં રેરા લાગુ થયા બાદ હવે કોઇપણ બિલ્ડરે રેરા હેઠળ તેના પ્રોજેકટનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. હવે આ નિયમને રજિસ્ટ્રાર કચેરી હેઠળ જોડી દેવામાં આવતાં હવે કોઇ પણ બાનાખત કે વેચાણ દસ્તાવેજ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી કરાવો હશે તો ફરજિયાત તેમાં રેરાનું સર્ટિફિકેટ સાથે જોડવું પડશે. ત્યાં સુધી કોઇ પણ દસ્તાવેજનું રજિસ્ટ્રેશન થશે નહીં.

દસ્તાવેજમાં વધુ એક વિગત હવે ફરજિયાત ઉમેરવાની રહેશે જેમાં રેરા એકટ હેઠળ જે તે પ્રોજેકટના રજિસ્ટ્રેશનનો નંબર લખવાનો રહેશે. રેરા એકટ ર૦૧૬ની કલમ-૧૩ની જોગવાઇ મુજબ રેરા રજિસ્ટ્રેશનને પાત્ર પ્રોજેકટના પ્રમોટરે ખરીદનારને નિયમ નમૂના પ્રમાણે રજિસ્ટર્ડ બાનાખત એગ્રિમેન્ટ ફોર સેલ કરી આપવાનું રહે છે જે રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી કરાવવાનો રહે છે.

હવેથી આ બાનાખતમાં પ્રોજેકટનું સ્પેસિફિકેશન ડેવલપમેન્ટ અને નાણાકીય ચૂકવણી અંગેની વિગતો લખવાની રહેશે. જો રેરા રજિસ્ટ્રેશન નંબર નહીં લખેલો હોય તો જે તે બાનાખત કે દસ્તાવેજ માટે સ્પષ્ટતા કરવાની રહેશે.

મિલકત સંબંધિત પ્રોજકટનો રેરા રજિસ્ટ્રેશન નંબર અથવા નંબર ન લેવાનું કારણ પ્રોજેકટ પ્લાનિંગ એરિયા બહારનો છે કે કેમ? તેની જમીનનું ચોરસ ક્ષેત્રફળ પ૦૦ મીટરથી ઓછું છે કે કેમ? પ્રપોઝડ એપાર્ટમેન્ટની સંખ્યા આઠથી ઓછી છે કે કેમ? બીયુ પરમિશન ૧ મે ર૦૧૭ પહેલાં મેળવી છે? તે સહિત રેરાના અમલ બાબતે ગ્રાહક સાથે બિલ્ડર તરફથી કોઇ પણ જાતની છેતરપિંડી ન થાય તે માટે દસ્તાવેજ નોંધણી સાથે આ નિયમો જોડવામાં આવ્યા છે.

જોકે રેરા હેઠળ જે પ્રોજેકટને મુકિત અપાઇ છે તેમાં જે પ્રોજેકટ પ્લાનિંગ બહારના વિસ્તારના હોય, ૧ મે ર૦૧૭ પહેલાં બીયુ પરમિશન મેળવી હોય, જે પ્રોજેકટની જમીનનું ક્ષેત્રફળ પ૦૦ ચોરસ મીટરથી ઓછું હોય, પ્રપોઝડ એપાર્ટમેન્ટની સંખ્યા આઠથી ઓછી હોય તેવા પ્રોજેકટમાં રેરા રજિસ્ટ્રેશન નહીં હોય, પરંતુ બાનાખત કે દસ્તાવેજમાં તેની સ્પષ્ટતા કરવી પડશે.

You might also like