નોટબંધીનો એક મહિનોઃ સોના-શેર, રિયલ એસ્ટેટ, FDમાં મંદી

નવી દિલ્હી: આજે રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની જૂની ચલણી નોટો કાનૂની ચલણમાંથી નાબૂદ કર્યાના નિર્ણયને એક મહિનો થયો છે ત્યારે નોટબંધીના આ નિર્ણયથી અર્થતંત્ર અને અન્ય ક્ષેત્રોમાં કેવી અસરો પડી છે તે અંગે સમીક્ષા કરતાં જાણવા મળ્યું છે કે નોટબંધીના એક મહિના બાદ રિયલ એસ્ટેટ, સોનું, શેર અને એફડી ગગડ્યાં છે અને કારનું વેચાણ વધ્યું છે.

રિઝર્વ બેન્કે બુધવારે વ્યાજદરમાં કોઇ કાપ નહીં મૂકીને લોકોની મુશ્કેલી વધારી દીધી છે. રિયલ એસ્ટેટ રિસર્ચ ફર્મ પ્રોડક્ટિવિટી સર્ચે દેશનાં ૪૨ શહેરોમાં મકાનોની કિંમતમાં ૩૦ ટકા ઘટાડાની સંભાવના વ્યક્ત કરી છે અને એક વર્ષમાં રૂ. આઠ લાખ કરોડની મૂડી સાફ થઇ જવાની આશંકા વ્યક્ત કરી છે.

નોટબંધીના એક મહિનામાં પેટીએમના ઉપભોક્તાઓમાં ૧૦ કરોડનો વધારો થયો છે, જ્યારે એમેઝોન, ફ્લિપકાર્ટ અને સ્નેપડીલ જેવી કંપનીઓને ૧૫થી ૨૦ ટકાનું નુકસાન થયું છે. ઇન્કમટેક્સ વિભાગે એક મહિનામાં રૂ. ૨ હજાર કરોડની અઘોષિત આવક પકડી પાડી છે અને રૂ. ૧૩૦ કરોડની રોકડ અને દાગીના જપ્ત કર્યા છે.

એકંદરે નોટબંધીના નિર્ણયથી જેવી અપેક્ષા હતી તેવો કોઇ મોટો ફાયદો થયો નથી. મોદી સરકાર પણ અપેક્ષા મુજબ પર્ફોર્મન્સ બતાવી શકી નથી. હજુ પણ લોકોને રોકડ રકમની તીવ્ર તંગીનો સામનો કરવો પડી રહ્યો છે.  પીએમ મોદીએ ૫૦ દિવસની મુદત માગી હતી તેમાં હવે માત્ર ૨૦ દિવસ જ બાકી છે. આ દરમિયાન રોકડ રકમની અછત ઓછી થવાના બદલે વધી ગઇ છે. અત્યાર સુધીમાં ૧૪.૫૫ લાખ કરોડ બેન્કમાં જમા થઇ ગયા છે. તેથી કાળું નાણું બજારમાં જંગી જથ્થામાં છે એ વાત સાચી પુરવાર થઇ નથી, જોકે વાહનોના વેચાણમાં કોઇ અસર થઇ નથી. મારુતિના વેચાણમાં ૧૨ ટકા અને ફોર્ડમાં ૨૨ ટકાનો વધારો થયો છે.
http://sambhaavnews.com/

You might also like