Metro Diary: કેટલા દિવસ લોકો પરેશાન થશે?

અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન દ્વારા શહેરનાં કેટલાય વિસ્તારોમાં રોડ રિસરફેસિંગથી લઈને ગટર લાઈન સાફ કરવામાં આવી રહી છે. શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા વિજય ચાર રસ્તા પાસે પણ ગટર અને ડ્રેનેજ પાઈપ લાઈનનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જેથી વિજય ચાર રસ્તાથી હેલ્મેટ જવા માટે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સામાન્ય રીતે પિક અવર્સમાં સૌથી વધુ ટ્રાફિક જોવા મળતો હોય છે. કેટલા દિવસ લોકોને આ સમસ્યાથી હેરાન થવું પડશે. સવારનાં સમયે તો આરામથી પસાર થઈ જવાય છે પણ પિક અવર્સમાં શું થશે?

પોલીસ સ્ટેશન નથી તો પણ ત્રણ ત્રણ બોર્ડ !
અમદાવાદમાં એરપોર્ટ પોલીસ સ્ટેશન બનાવવાની મંજૂરી ઘણા સમયથી ગૃહ વિભાગે અમદાવાદ પોલીસને આપી દીધી છે પંરતુ એરપોર્ટ ઓથોરિટીએ પોલીસ સ્ટેશન માટે હજુ સુધી જગ્યા ફાળવી નથી. અમદાવાદ પોલીસે એરપોર્ટ પોલીસ સ્ટેશનનાં ત્રણ ત્રણ બોર્ડ લગાવી દીધાં છે. એરપોર્ટ ઉપર જ્યારે કોઇપણ પેસેન્જરોને મુશ્કેલી સર્જાય છે ત્યારે તે બોર્ડ જોઇને પોલીસ સ્ટેશન શોધે છે પંરતુ અંતે કોઇપણ પોલીસ સ્ટેશન મળતુું નથી. સરદારનગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી.આર.પટેલે કહે છે કે પોલીસ સ્ટેશનની મંજૂરી આવી ગઇ છે પરંતુ જગ્યા નથી ફાળવવામાં આવી. અમે હવે બોર્ડ દૂર કરીશું અથવા તેની ઉપર કૂચડો મારી દઇશું.

વેટની કચેરીમાં પાર્કિંગનાં ફાંફાં
રાજ્યના કોમર્શિયલ ટેકસ ડિપાર્ટમેન્ટની મુખ્ય કચેરી આશ્રમરોડ ઉપર આવેલી છે. રોજના એવરેજ પ૦૦થી ૭૦૦ વેટ પ્રેક્ટિશનર સહિત અન્યની સરકારી કામકાજઅર્થે આ ઓફિસમાં અવરજવર રહે છે, પરંતુ તાજેતરમાં ડિપાર્ટમેન્ટે વેટ ન ભર્યો હોય તેવી વીસેક ટ્રકો પકડી પાડી હતી અને આ ટ્રકોને ડિપાર્ટમેન્ટની કચેેરીમાં લાવીને મૂકી દેવામાં આવી છે. જેના કારણે રૂટિન પાર્કિંગ જ કરવું મુશ્કેલ થઇ જાય છે. આવા સંજોગોમાં કોઇ કામકાજ અર્થે આવેલા લોકો માટે કચેરીમાં કયાં પાર્કિંગ કરવું તે માથાનો દુખાવારૂપ થઇ ગયું છે. ડિપાર્ટમેન્ટના અધિકારીઓ કહે છે કે ટેકસ ભરાશે એટલે ટ્રક લઇ જશે. તો બીજી બાજુ પાર્કિંગના મુદ્દે લોકોને જવાબ આપીને થાકી ગયેલા સિકયોરિટી ગાર્ડ કહી રહ્યા છે કે હવે આ ટ્રકો અહીંથી જાય તો સારું. હવે જોવાનું એ રહે છે કે ક્યારે ટ્રકો જાય છે અને પાર્કિંગની મુશ્કેલી હળવી થાય છે.

આ વર્ષમાં બેન્કો ૯૬ દિવસ બંધ રહેશે
ચાલુ કેલેન્ડર વર્ષ ર૦૧૬માં કુલ ૯૬ દિવસ બેન્કો બંધ રહેશે. આગામી માર્ચમાં ર૪મીએ ધુળેટી, રપમીએ ગુડફ્રાઇડે અને ર૬-ર૭ શનિ-રવિ સહિત ચાર રજા મળશે. સપ્ટેમ્બરમાં ૧ર અને ૧૩ શનિ, રવિ અને ર૪મીએ ઇદે મિલાદની કુલ ત્રણ રજા, ઓગસ્ટમાં ૧૩-૧૪ શનિ-રવિ, ૧પમીએ સ્વાતંત્ર્ય દિન, ૧૬મીની રજા મૂકે તો ૧૭મીએ પારસીનું નવું વર્ષ પાંચ રજા, ઓકટોબરમાં ૮-૯ શનિ-રવિ, ૧૦મીઅે રજા લેનારને ૧૧મીએ દશેરા, ૧રમીએ મહોરમની સળંગ પાંચ રજા મળે. આ વર્ષે સાત રજા સોમવારે આવતી હોવાથી સળંગ ત્રણ દિવસ બેન્કો બંધ રહેશે. જ્યારે ગાંધી જયંતી, દિવાળી અને ક્રિસમસની રજા રવિવારે હોઇ ૯૯ને બદલે ૯૬ દિવસ બેન્કો બંધ રહેશે.

વેજલપુરમાં ફરી ખોદકામથી વાહનચાલકો પરેશાન
અમદાવાદ મહાનગરપાલિકા (એએમસી)ના નવા પશ્ચિમ ઝોનમાં અાવેલો વેજલપુર વોર્ડ એએમસી માટે ખોદકામ માટે સ્પેશિયલ વોર્ડ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. વેજલપુરથી સોનલ સિનેમા તરફના રોડ ઉપર થતાં ખોદકામને કારણે રાહદારીઅો અને સ્થાનિક રહેવાસીઅોને પડી રહી છે. અા રોડ ઉપર ખોદકામ કરવાથી એક તો અડધો રોડ બ્લોક થઇ ગયો છે. બાકીના અડધા રોડ પૈકીનો અડધો રોડ અગાઉના ખોદકામને કારણે ખાડા ખૈયા વાળો છે. અા ઉપરાંત અા રોડ ઉપરની દુકાનોનાં વાહનો, શાકભાજીવાળા, ફેરિયાઅો અને અન્ય ગ્રાહકો પોતાનાં વાહનોને કારણે રોડ બ્લોક થઇ જાય છે. અાથી પિક અવર્સ દરમિયાન અને તેમાં પણ ખાસ કરીને સાંજના સમયે ભારે ટ્રાફિક જામ થવાની સમસ્યા રાહદારીઅો માટે શિરદર્દ સમાન બની રહે છે.

You might also like