Crime Brief: બસ..! એક Click અને વાંચો શહેરના ક્રાઇમ સમાચાર

લગ્નની લાલચ આપી ત્રણ સગીરાને ગઠિયા ઉઠાવી ગયા
અમદાવાદ: શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ત્રણ સગીરાને લગ્નની લાલચ આપી ગઠિયા ઉઠાવી જતાં પોલીસે અા અંગે અપહરણના ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે વેજલપુરમાં ચામુંડા ફાટક પાસે રહેતી ૧૬ વર્ષીય એક સગીરાને તેના ઘર નજીકથી અભિષેક શર્મા નામનો શખ્સ લલચાવી ફોસલાવી ઉઠાવી ગયો હતો. જ્યારે નવા વાડજમાં બ્રહ્માણીની ચાલી ખાતે રહેતી ૧૬ વર્ષીય સગીરાને મહેસાણા જિલ્લાનો રહીશ ગૌતમ નાગર સેલવા નામનો શખ્સ લગ્નની લાલચ તેમજ ધાકધમકી આપી ઉઠાવી જતાં પોલીસે અપહરણનો ગુનો દાખલ કર્યો છે. આ ઉપરાંત નરોડામાં પાટીયા નજીક બસસ્ટેન્ડ નજીક રહેતી એક સગીરાને કોઇ શખ્સ ભેદી સંજોગોમાં ઉઠાવી જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

ગૌમાંસનો જંગી જથ્થો ભરેલી આઇશર ગાડી ઝડપાઈ
અમદાવાદ:અંકલેશ્વર રોડ પરથી પોલીસે ગૌમાંસનો જથ્થો ભરેલી એક આઇશર ટ્રકને ઝડપી લઇ છ કસાઇઓની ધરપકડ કરી લોકઅપ ભેગા કરી દીધા હતા. પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અેક આઇશર ટ્રકમાં ગામાંસનો જંગી જથ્થો ભરી મુંબઇ તરફ લઇ જવાતો હોવાની બાતમીના આધારે પોલીસે અંકલેશ્વર રાજપીપળા હાઇવે પર સઘન વોચ ગોઠવી હતી. દરમિયાનમાં એક આઇશર ટ્રકને મોડી રાત્રે પૂરઝડપે પસાર થતાં પોલીસે તેનો પીછો કરી ઝડપી લઇ તેની જડતી કરતાં તેમાંથી પ૬૦૦ કિલો ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો. કસાઇઓ આ જથ્થો મુંબઇ લઇ જતા હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. આ આઇશર ટ્રકનું પાઇલોટિંગ કરી રહેલ કારને પણ પોલીસે ઝડપી લઇ મહંમદ સૈયદ વસીમ અબ્દુલ, અબ્દુલ કાસીમ અને આ‌િસફ યુસુફ સહિત છની ધરપકડ કરી છે.

દાઝી જતાં દંપતીનું અને ડૂબી જતાં બે સગા ભાઈનાં મોત
અમદાવાદ: ભાવનગરમાં અપમૃત્યુની બે ઘટના બની હતી. જેમાં દાઝી જવાના કારણે દંપતીનું અને ચેકડેમમાં ડૂબી જવાથી બે સગા ભાઇનાં મોત થતાં પોલીસે આ અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.આ અંગેની વિગત એવી છે કે ભાવનગરમાં ચિત્રા નજીક આવેલી વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા મહેશભાઇ સાગરભાઇ આંબડિયા અને તેમના પત્ની જ્યોતિબહેનનું અકસ્માતે ગંભીરપણે દાઝી જવાના કારણે મોત થયું હતું. પ્રાઇમસ ફાટતાં આ ઘટના બની હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત ભાવનગરના માંડવડા નજીક ચેકડેમમાં નહાવા પડેલા ધાર્મિક પ્રવીણભાઇ પરમાર (ઉં.વ.૯) અને તેનો નાનો ભાઇ સાગર (ઉં.વ.૪) બંનેનાં ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતાં મોત થયાં હતાં. પોલીસે અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં કિશોર અને વૃદ્ધાનું ઘટનાસ્થળે મોત
અમદાવાદ: પોરબંદર અને ભાવનગર નજીક બનેલી માર્ગ અકસ્માતની બે ઘટનામાં એક યુવાન અને વૃદ્ધાનું ગંભીર ઇજાઓ થવાથી મોત થયું હતું. આ અંગેની વિગત એવી છે કે પોરબંદરમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે ચોપાટી નજીકથી પસાર થઇ રહેલ અ‌િનલભાઇ ર‌િસકભાઇ મો‌રબિયા અને તેના દસ વર્ષના પુત્રને પાછળથી પૂરઝડપે આવેલી કારે અડફેટે લેતાં બંને પિતા-પુત્ર ફંગોળાઇ ગયા હતા અને ગંભીર ઇજાઓ થવાના કારણે પિતાની નજર સામે જ પુત્રનું મોત થયું હતું. જ્યારે અન્ય એક બનાવમાં ભાવનગર વલભીપુર રોડ પર એક કાર પલટી ખાઇ જતાંં કારમાં બેઠેલ લાભુબહેન કનુભાઇ બોરડિયા નામની વૃદ્ધાનું ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે અન્ય ત્રણ વ્યકિતને ઇજા પહોંચી હતી. પોલીસે આ અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.

છ યુવતી ભેદી રીતે લાપતા
અમદાવાદઃ નવરંગપુરામાંથી શીલા સુશીલકુમાર ઠાકુર, શાહપુરમાંથી અમરીનબાનુ મહંમદહુસેન શેખ, સાબરમતીમાંથી રિચા ભાનુભાઇ વાઘેલા, રામોલમાંથી પારુલબહેન વિજયભાઇ પટેલ, વટવામાંથી સુનીતા રામસિંગ ઠાકુર અને ફિઝાબાનુ મહંમદ આરિફ શેખ નામની આ યુવતીઓ અચાનક લાપતા બનતાં પોલીસે જાણવાજોગ નોંધ કરી શોધખોળ શરૂ કરી છે.

દારૂ જુગારના અડ્ડા પર દરોડા
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ર૮૦ લિટર દેશી દારૂ, ૪ર બોટલ વિદેશી દારૂ, ૧૦ બિયરનાં ટીન, એક રિક્ષા, એક બાઇક, રૂ.પ,૦૦૦ની રોકડ રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ર૯ શખ્સની ધરપકડ કરી છે.

તકેદારીરૂપે ૧૧૪ની અટકાયત
અમદાવાદઃ કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે શહેર પોલીસે શહેરના જુદા જુદા વિસ્તારમાં તકેદારીનાં પગલાંરૂપે ૧૧૪ શખસની અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા છે. આ ઉપરાંત દારૂના નશામાં છાકટા બની જાહેર રોડ પર બખેડો કરતા ૯ શખસની પોલીસે ધરપકડ કરી હતી.

નદીમાંથી યુવતીની લાશ મળી
અમદાવાદઃ રિવરફ્રન્ટ વેસ્ટ નજીક સાબરમતી નદીમાં એક ર૪ વર્ષીય યુવતીની લાશ તરતી હોવાની જાણ થતાં પોલીસે તાત્કાલિક પહોંચી જઇ જરૂરી કાર્યવાહી કરી લાશને પીએમ માટે મોકલી આપી હતી.

બે બાઈક અને રિક્ષાની ઉઠાંતરી
અમદાવાદઃ કાલુપુર અને ગોમતીપુરમાંથી બે કાર અને રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. કાલુપુરમાં રેલવે સ્ટેશન પાસેથી બાઇકની તેમજ આશીર્વાદ માર્કેટ પાસેથી એક બાઇકની અને ગોમતીપુર મ્યુનિ. બસસ્ટેન્ડ નજીકથી રિક્ષાની ઉઠાંતરી થઈ હતી.

You might also like