પાટીદારો અનામત મુદ્દે ઉકળાટ : કોર્પોરેશનની 2 બસમાં તોડફોડ

અમદાવાદ : મહેસાણા જેલભરો આંદોલન દરમિયાન પાટીદારો હિંસક બન્યા હતા. આ દરમિયાન પાટીદારો અને પોલીસ સામસામે આવી જતા પરિસ્થિતી તંગ બની ગઇ હતી. જેનાં પગલે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં પાટીદારો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અડધા રાજ્યનાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. બીજી તરફ મહેસાણામાં કર્ફ્યું લાદવામાં આવ્યો છે. મોટા ભાગનાં મહાનગરોમાં પરિસ્થિતી તંગ છે. હાલ ગુજરાતમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતી છે.

અમદાવાદનાં ઘાટલોડીયા વિસ્તારમાં બે AMTS બસનાં કાચ તોડવામાં આવ્યા છે. ઉપરાંત પાટીદારોનાં ટોળાઓ દ્વારા વસ્ત્રાત તથા મેટ્રો રેલ્વે પ્રોજેક્ટનાં પતરાઓ અને સાધનોને ઉખાડીને ફેંકી દેવામાં આવ્યા હતા. જેનાં પગલે શહેરમાં બસ સેવા બંધ કરી દેવામાં આવી છે. પરિસ્થિતી ફરીથી થાળે ન પડે ત્યાં સુધી પોલીસને સ્ટેન્ડ ટુંનો ઓર્ડર આપવામાં આવ્યો છે. બીજી તરફ કોર્પોરેશન દ્વારા પણ કોઇ પણ જગ્યાએ સાધનોને નુકસાન ન પહોંચે તે માટે તકેદારીનાં પગલા લેવાનું ચાલુ કર્યું છે.

બીજી તરફ મુખ્યમંત્રી દ્વારા આવા આંદોલન તો થયા રાખે તેવું નિવેદન આપીને મુખ્યમંત્રી વિવાદમાં ફસાતા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ મુખ્યમંત્રીનાં નિવેદન બાદ પાટીદારો ઉકળી ઉઠ્યા છે. આ નિવેદનનાં કારણે સરકાર ફસાઇ શકે તેવી પરિસ્થિતી છે. હાલ સંપુર્ણ ગુજરાતમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતી છે. સુરતમાં પણ પોલીસ ચોકી સળગાવાઇ અને તેમાં રહેસા સાઘનોની તોડફોડ કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

You might also like