અમદાવાદ જિલ્લાનાં બે મતદાન મથક પર કાલે પુનઃ મતદાન

અમદાવાદ: ગયા ગુરુવાર તા.૧૪ ડિસેમ્બરે અમદાવાદ જિલ્લાની કુલ ર૧ બેઠક પર શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું.
સમગ્ર જિલ્લામાં તંત્ર દ્વારા મતદાન માટે પ૪પ૧ મતદાન મથક ઊભાં કરાયાં હતાં, જે પૈૈકી વીરમગામ બેઠકના એક મથદાન મથક અને દસક્રોઇ બેઠકના એક મતદાન મથક પર આવતી કાલે પુનઃ મતદાન કરાશે.

વીરમગામ બેઠકના નગરપાલિકા ભવનના પીડબ્લ્યુડી રૂમમાં ઊભા કરાયેલા મતદાન મથક નં. ર૩૯ અને દસક્રોઇ બેઠકના નવા નરોડા વિસ્તારની સીએમ ઠાકર વિદ્યાલયમાં ઊભા કરાયેલા મતદાન મથક નંબર-૧પ એમ આ બે મતદાન મથક પર આવતી કાલે સવારના આઠથી સાંજના પાંચ વાગ્યા સુધી ફરીથી મતદાન કરાશે.

વડગામ બેઠકના બે મતદાન મથક અને સાવલી બેઠકનાં બે મતદાન મથક મળીને છ રાજ્યનાં કુલ છ મતદાન મથક પર આવતી કાલે પુનઃ મતદાન કરાશે.

જ્યારે અમદાવાદ શહેરની વેજલપુર વિધાનસભા બેઠકના મતદાન મથક નં. પ૮, જમાલપુર-ખાડિયા વિધાનસભા બેઠકના મતદાન મથક નં. ૧૬ અને વટવા વિધાનસભા બેઠકના વસ્ત્રાલ વિસ્તારના મતદાન મથક નં. પપ પર ગુરુવારના મતદાનના દિવસે ઇવીએમ ખોટકાતાં મતગણતરીના દિવસે વીવીપેટની સ્લિપની ગણતરીને માન્ય રખાશે તેમ અમદાવાદ જિલ્લાના અધિક ચૂંટણી અધિકારી રાજેન્દ્ર સરવૈયા કહે છે.

અત્રે ઉલ્લેખનીય છે આવતી કાલે વીસનગર બેઠકના રાલીસણાના મતદાન મથક નં. ત્રણ, બેચરાજી બેઠકના પિલુદ્રાના મતદાન મથક નં. એક, કટોસણના મતદાન મથક નં. ત્રણ, મોડાસા બેઠકના જામાથા, સાવલી બેઠકના પીલોલના મતદાન મથક નં. બે અને સંખેડા બેઠકના ગોજપુર મતદાન મથક અને સોંગીટ મતદાન મથક મળીને કુલ દશ મતદાન મથક પર વીવીપેટ સ્લિપની ગણતરીને માન્ય રખાશે.

You might also like