પેમેન્ટમાં ડિફોલ્ટ થતાં આરકોમ-જિઓ સ્પેક્ટ્રમ ડીલની DOT દ્વારા તપાસ શરૂ

(એજન્સી)નવી દિલ્હી: અનિલ અંબાણીની કંપનીએ રૂ.૨૧ કરોડના સ્પેક્ટ્રમ પેમેન્ટ પર ડિફોલ્ટ કર્યા બાદ ટેલિકોમ વિભાગ (DOT)એ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCOM) અને રિલાયન્સ જિઓ ઇન્ફોકોમ વચ્ચે સ્પેક્ટ્રમ શેરિંગ ડીલની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આરકોમ આ મહિને મુંબઇ સર્કલ માટે આટલા સ્પેક્ટ્રમ ચાર્જ ચૂકવવામાં નિષ્ફળ ગઇ હતી. ડોટના અધિકારીઓનું માનવું છે કે જે સર્કલ માટે સ્પેક્ટ્રમ પેમેન્ટ પર ડિફોલ્ટ થયો હોય તેને શેર કરી શકાય નહીં અને તેનું ટ્રેડિંગ પણ થઇ શકે નહીં.

આરકોમ પાસે ૮૫૦ MHZ બેન્ડમાં ૨૧ સર્કલ્સમાં સ્પેક્ટ્રમ છે. તેમાં મુંબઇ સર્કલનો પણ સમાવેશ થાય છે. જો ડોટ ડિફોલ્ટના કારણે સ્પેક્ટ્રમ પાછું ખેંચી લેશે તો રિલાયન્સ જિઓની ટેલિકોમ સેવાઓ પર પણ વિપરીત અસર પડી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ મામલામાં જોકે કોઇ ઉતાવળે નિર્ણય લેવાશે નહીં.

લાંબા કાનૂની યુદ્ધ બાદ જ નક્કી થશે સ્પેક્ટ્રમ પાછું ખેંચવું કે નહીં? આરકોમ આઠ સર્કલ માટે ૨૮૧ કરોડના સ્પેક્ટ્રમ ચાર્જની ડેડલાઇન પણ મિસ કરી ચૂકી છે અને આગામી મહિને તેને ૧૩ સર્કલ માટે રૂ.૪૯૨ કરોડનું પેમેન્ટ કરવાનું છે.

ડોટ અધિકારીઓએ પોતાનાં નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું છે કે જો કોઇ કંપની કોઇ સર્કલ માટે પેમેન્ટ કરી શકે નહીં તો તેની પાસેથી સ્પેક્ટ્રમ પાછું ખેંચી લઇ શકાય છે, પછી ભલે એ કંપનીનો અન્ય કંપની સાથે શેરિંગ એગ્રીમેન્ટ કેમ ન હોય? તેમણે જણાવ્યું હતું કે સ્પેક્ટ્રમ એ રાષ્ટ્રીય સંપત્તિ છે. સ્પેક્ટ્રમનો ઉપયોગ આરકોમ કરે છે કે રિલાયન્સ જિઓ તેનાથી અમને ફેર પડતો નથી. જો લેણી રકમ અમને નહીં મળે તો અમે સ્પેક્ટ્રમ લાઇસન્સ કેન્સલ કરી નાખીશું. જો આવું થશે તો રિલાયન્સ જિઓના ગ્રાહકોની ટેલિકોમ સેવા પણ પ્રભાવિત થઇ શકે છે.

You might also like