ખારીકટ ઉપર RCCનો સ્લેબ બનાવી ૧૦૦ ફૂટ પહોળો રસ્તો બનાવાશે

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાંથી પસાર થતી ખારીકટ કેનાલ આશરે ૧૦૦ વર્ષ જૂની છે. જોકે દર ચોમાસામાં ગંદકીથી ઊભરાયેલી ખારીકટ કેનાલ આસપાસની સેંકડો સોસાયટીઓમાં ભારે તબાહી સર્જે છે. ખારીકટ કેનાલની સફાઇના મામલે પણ અવારનવાર કોર્પોરેશન અને રાજ્ય સરકારના સિંચાઇ વિભાગ વચ્ચે ચકમક ઝરે છે. સરવાળે હજારો નાગરિકોનાં જીવન નર્કાગાર બન્યા છે. જોકે હવે આગામી ત્રણ ચાર વર્ષમાં ખારીકટ કેનાલનાં રંગ રૂપ જ બદલાઇ જશે. રાજ્ય સરકારના બજેટમાં ખારીકટ કેનાલના વિકાસ માટે રૂ.૧૦૦ કરોડની માતબર રકમની ફાળવણી કરી હોઇ કોર્પોરેશને ખારીકટ કેનાલ ઉપર આરસીસીનો સ્લેબ બનાવી ૧૦૦ ફૂટનો દ્વી માર્ગીય રસ્તો બનાવવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે.

આમ તો ખારીકટ કેનાલની એશિયાના સૌથી મોટા ડસ્ટબિન જેવી ઓળખ છે. ખારીકટ કેનાલ ચોમાસામાં પૂર્વ વિસ્તારમાં વિનાશ વેરતી હોઇ તંત્ર માટે હરહંમેશ મુસીબત રૂપ બની છે. ભાજપના શાસકો વસ્ત્રાલ, નિકોલ, વટવા અને ઓઢવ વિસ્તારના કેનાલના હયાત નાળાંને પહોળાં કરવા કે બંને તરફના રસ્તા પરના દબાણને ખુલ્લા કરી તેને રિસરફેસ કરવા જેવા ઉપાયો હાથ ધરતા આવ્યા છે. પરંતુ આવા ઉપાયો એકંદરે થિંગડાં મારવા સમાન જ હતા.
જોકે ખારીકટ કેનાલના પુનઃ વિકાસને લગતી શાસકપક્ષની રાજ્ય સરકાર સમક્ષ કરેલી વારંવારની રજૂઆત છેવટે ફળી છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને નાણાપ્રધાન નીતિન પટેલે પોતાના બજેટમાં ખારીકટ કેનાલના પુનઃ વિકાસ માટે રૂ.૧૦૦ કરોડની જોગવાઇ કરી છે.

આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલને પૂછતાં તેઓ કહે છે કે, ” ખારીકટ કેનાલના પુનઃ વિકાસ અર્થેની અમારી રજૂઆતને રાજ્ય સરકારે ગ્રાહ્ય ધરી તેનો એમને આનંદ છે.  ખારીકટ કેનાલમાં આસપાસના રહેણાક વિસ્તારના નાગરિકો કે કેનાલ પરના અસંખ્ય લારી ગલ્લાઓ પોતાનો એઠવાડ સહિતનાે કચરો સીધો કેનાલમાં જ ઠાલવતા રહ્યા છે. જેના કારણે કેનાલ રીતસરની કચરા પેટી જ બનીને વર્ષે લગભગ દશ હજાર ટન કચરો તેમાંથી કાઢવો પડે છે. જોકે કોર્પોરેશનના નવા આયોજન મુજબ કેનાલ .પર આરસીસીનો સ્લેબ કરીને તેને પૂરી રીતે ઢાંકી દેવાશે અને આ આરસીસીના સ્લેબ ઉપર સો ફૂટનો દ્વી માર્ગીય રોડ તૈયાર કરાશે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલ વધુમાં કહે છે, “હાલના નરોડા-નારોલના બીઆરટીએસ કોરીડોર ઉપરના ભારને હળવો કરવા ખારીકટ કેનાલ પર નરોડા-નારોલ સુધીનો ૧૦૦ ફૂટનો રસ્તો બનાવાશે. આ રોડ પર ટ્રક, મેટાડોર જેવાં ભારે વાહનોના પ્રવેશને અનુમતિ નહીં અપાય. પરંતુ ફક્ત ટુ વ્હીલરથી ફોર વ્હીલર કાર જેવાં હળવા વાહનો જ હંકારી શકાશે.

ખારીકટ કેનાલનું હાલનું સ્તર વધુ નીચે કરીને તેમાંથી વરસાદી પાણી તેમજ સિંચાઇના પાણીનાં વહન કરવાની વિશેષ વ્યવસ્થા ઊભી કરાશે. વિરાટનગર, નિકોલ વગેરે સ્થળોએ બનાવાયેલા ડ્રેનેજ પંપિંગ સ્ટેશન ખારીકટ કેનાલમાં વરસાદીપાણી ઠાલવવામાં મદદરૂપ થશે તેમ પણ સ્ટેન્ડિંગ ચેરમેન પ્રવીણ પટેલ વધુમાં જણાવે છે.
http://sambhaavnews.com/

You might also like