લોન રિકવરી બળજબરીથી નહીં કરવા RBIના નવેસરથી નિર્દેશો

મુંબઇ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓને તેમના રિકવરી એજન્ટો દ્વારા લોન વસૂલીની પ્રક્રિયા દરમિયાન બળજબરી નહીં કરવા નવેસરથી નિર્દેશો આપ્યા છે એટલું જ નહીં, આ નિયમોનો ભંગ કરવા બદલ સિનિયર ઉચ્ચ અધિકારીને જવાબદાર ઠેરવવામાં આવશે.

આરબીઆઇના નિર્દેશો અનુસાર નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ લોન રિકવરી માટે આઉટસોર્સિંગ એજન્સી રાખે છે, પરંતુ તેનાથી બોર્ડ અને સિનિયર મેનેજમેન્ટની જવાબદારી ઓછી થતી નથી. ડાયરેક્ટ સેલ્સ એજન્ટ્સ, ડાયરેક્ટ માર્કેટિંગ એજન્ટ અને રિકવરી એજન્ટ સહિતની સેવા આપતી એજન્સીના પગલા માટે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીનું મેનેજમેન્ટ જવાબદાર ગણાશે.

આરબીઆઇએ વધુમાં જણાવ્યું હતું કે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની અને તેમના એજન્ટોએ લોન રિકવરીના પ્રયત્ન દરમિયાન કોઇ પણ વ્યક્તિ સામે મૌખિક કે શારીરિક સતામણી કે ધાકધમકીનો સહારો લેવો જોઇએ નહીં. નોંધનીય છે કે ‘મેનેજિંગ રિસ્ક્સ એન્ડ કોડ ઓફ કન્ડક્ટ ઇન આઉટસોર્સિંગ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ બાય એનબીએફસી’ નામના અહેવાલમાં આ આદેશો આપવામાં આવ્યા છે.

You might also like