આરબીઆઈની પોલિસી પૂર્વે શેરબજાર પ્રેશરમાં

અમદાવાદ: આજથી શરૂ થઇ રહેલી બે દિવસીય આરબીઆઇની પોલિસી પૂર્વે આજે શરૂઆતે શેરબજાર નીચા ગેપથી ખૂલ્યું હતું. એશિયાઇ બજારમાં જોવા મળેલ ઘટાડાની તથા અમેરિકી સરકારે વિઝા નીતિ કડક બનાવતાં તેની પણ શેરબજાર ઉપર અસર જોવા મળી હતી. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૬૨ પોઇન્ટના ઘટાડે ૨૯,૮૪૭, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૫ પોઇન્ટના ઘટાડે ૯૨૨૨ પોઇન્ટની સપાટીએ ખૂલી હતી.

આજે શરૂઆતે બેન્ક નિફ્ટી પ્રેશરમાં જોવા મળી હતી. એ જ પ્રમાણે બેન્ક સેક્ટર ઇન્ડેક્સ સહિત કેપિટલ ગુડ્સ, એફએમસીજી અને ટેક્નોલોજી સેક્ટર પ્રેશરમાં ખૂલ્યાં હતાં. તો બીજી બાજુ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરની કંપનીઓના શેરમાં ઉછાળો નોંધાયો હતો.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આરબીઆઇની પોલિસી પૂર્વે બજારમાં સાવચેતીની ચાલ જોવા મળી રહી છે. આજે શરૂઆતે એનટીપીસી, ટાટા સ્ટીલ અને સિપ્લા કંપનીના શેરમાં ૧.૨૦ ટકા સુધીનો સુધારો નોંધાયો હતો. તો બીજી બાજુ એચડીએફસી, એશિયન પેઇન્ટ, ડો. રેડ્ડીઝ લેબ્સ કંપનીના શેરમાં ઘટાડાની ચાલ નોંધાઇ હતી. આજે પણ રિલાયન્સ કંપનીના શેરમાં આગેકૂચ જારી રહી હતી. આ શેરમાં ૧.૩૦ ટકાનો ઉછાળો નોંધાયો હતો.
http://sambhaavnews.com/

You might also like