એક્સિસ બેન્કના લાઈસન્સને રદ કર્યાને RBIએ અફવા ગણાવી

મુંબઈ: નોટબંધી બાદ કેટલીક બેન્ક દ્વારા મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરાઈ હોવાના સમાચાર આવ્યા છે, જેમાં ખાનગી સેક્ટરની અગ્રણી એક્સિસ બેન્કના કેટલાક અધિકારીઓ મની લોન્ડરિંગના કેસમાં દોષિત હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે, જેના પગલે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ એક્સિસ બેન્કનું લાઇસન્સ રદ કર્યું છે તેવા સમાચાર વહેતા થયા હતા, જોકે આરબીઆઇએ તેનું ખંડન કરીને આને માત્ર એક અફવા જ ગણાવી છે.

દેશની ત્રીજા નંબરની ખાનગી સેક્ટરની અગ્રણી એક્સિસ બેન્કના ૨૪ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાના સમાચારના કારણે બેન્ક પાછલા કેટલાક સમયથી ચર્ચામાં આવી છે. બેન્કના સસ્પેન્ડ થયેલા કર્મચારીઓ ઉપર સીધો આરોપ છે કે તેઓ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરીને રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની જૂની નોટનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. દરમિયાન એક્સિસ બેન્કના સત્તાવાળાઓના જણાવ્યા પ્રમાણે બેન્ક પાસે મજબૂત સિસ્ટમ અને જરૂરી વહીવટી વ્યવસ્થા છે, બેન્કનું લાઇસન્સ રદ કરવા અંગેની માહિતી તદ્દન ખોટી અને દુર્ભાવનાપૂર્ણ છે.
http://sambhaavnews.com/

You might also like