સોમવારે RBI બોર્ડની બેઠક બજારની ચાલ કરશે નક્કી

નવી દિલ્હી: હવે શેરબજારની નજર સોમવારે યોજાનારી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક પર મંડાયેલી છે. સરકાર અને રિઝર્વ બેન્કના ઉગ્ર મતભેદો વચ્ચે સોમવારે રિઝર્વ બેન્ક બોર્ડની બેઠક યોજાઇ રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં એનબીએફસીને રાહત આપવાના સરકારના પ્રસ્તાવ પર હંગામો થવાના અણસાર છે અને નાના તેમજ મધ્યમ વેપારીઓને રાહત મળવાની આશા છે.

કેટલાક મુદ્દે રિઝર્વ બેન્ક બોર્ડની બેઠક તોફાની પણ બની શકે છે. આ બેઠકમાં કેન્દ્ર તરફથી ચાર મુખ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે, જેમાં એનબીએફસીને વધુ કેશ ઉપલબ્ધ કરાવવી, પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શનની શરતોમાં રાહત આપવી, કેશ રિઝર્વ રાખવા માટે ફોર્મ્યુલા તૈયાર કરવી અને નાના-મધ્યમ વેપારીઓને રૂ. ૨.૫ કરોડ સુધીના કરજને રિસ્ટ્રક્ચરિંગ કરવા મંજૂરી આપવાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત રિઝર્વ બેન્ક પર વોચ વધારવા માટે સરકારે કેટલાક નિયમોમાં બદલાવ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેના કારણે રિઝર્વ બેન્ક અને સરકાર વચ્ચે તંગદિલી વધી શકે છે.

આ પ્રસ્તાવથી દુનિયાના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્ર પર રોકાણકારોનો વિશ્વાસ ઘટી શકે છે. મોદી સરકારે આરબીઆઇ બોર્ડને ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી, મોનેટરી પોલિસી અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ પર વોચ રાખવા માટે એક પેનલ બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. રિઝર્વ બેન્ક બોર્ડની બેઠકમાં સોમવારે કેવા નિર્ણયો લેવાશે તેના પર શેરબજારની ચાલ નક્કી થશે.

You might also like