આરબીઆઈ સામે જૂની નોટોનો નિકાલ કરવાનો મોટો પડકાર

નવી દિલ્હી: ગત આઠમી નવેમ્બરની મધરાતથી ૫૦૦ અને ૧૦૦૦ની નોટ બંધ થઈ ગઈ છે ત્યારથી દેશભરની અનેક બેન્કોમાં લોકો દ્વારા આવી જૂની નોટો જમા કરાવવામાં આવી રહી છે.ત્યારે ૩૦ ડિસેમ્બર બાદ આવી બેન્કો માટે અને ખાસ કરીને આરબીઆઈને આવી નોટોનો નિકાલ કેવી રીતે કરવો ? તે બાબત મોટો પડકાર બની રહેશે. આમ તો રિઝર્વ બેન્ક માટે જૂની નોટોનો નાશ કરવાનુ કામ નવું નથી.પરંતુ આટલી મોટી માત્રામાં જમા થયેલી નોટોનો કદાચ પ્રથમવાર નિકાલ કરવાનું કામ આવશે.

બેન્કોના અધિકારીઓ માની રહ્યા છે કે આગામી વર્ષના આરંભમાં જ્યારે આવી નોટોનો નિકાલ કરવાનું કામ હાથ ધરવામાં આવશે તે કદાચ વિશ્વમાં આવા પ્રકારનું કામ સૌથી મોટું હશે. ભારતીય રિઝર્વ બેન્ક પાસે હાલ ૨૭ શ્રેડિંગ અને બ્રિકટિંગ સિસ્ટમના મશીન (એસબીએસ) છે. જે આરબીઆઈના અનેક કેન્દ્રો પર રહેલાં છે. જ્યાં જૂની અને બજારમાંથી પરત આવેલી નોટોના નાના નાના ટુકડા કરવામાં આવે છે.

અને ફરી તેને રાખમાં ફેરવી નાખી તેની ઈંટ બનાવી દેવામાં આવે છે. સામાન્ય રીતે દર વર્ષે ૧૩.૫૦ થી ૧૪ અબજની નોટોનો નાશ કરવામાં આવે છે. પંરતુ આ વખતે તેનાથી બે ગણી નોટોનો નાશ કરવો પડશે. રિઝર્વ બેન્કના આંકડા પરથી જાણવા મળે છે કે હાલ બજારમાં જૂની ૫૦૦ અને ૧૦૦૦ની ૧૪૧૭૯.૪૩ અબજ રૂપિયાની ૨૧ અબજ નોટ છે. તેથી આરબીઆઈને આ તમામ નોટોનો નાશ કરવાની તૈયારી કરવી પડશે. ત્યારે રિઝર્વ બેન્કના મુખ્ય કામમાં નોટોનો નાશ કરવાનો સમાવેશ થાય છે.

પરત આવતી નોટોનો રેકોર્ડ તૈયાર થાય છે
રિઝર્વ બેન્કની સિસ્ટમમાં પરત આવતી નોટોનો અલગથી રેકોર્ડ તૈયાર કરવામાં આવે છે. જેમાં આવી નોટોને ચલણમાં રહેલી નોટો સાથે મેળવવામાં આવે છે. કારણ આવી નોટોની સિરિઝની નકલી નોટો બજારમાં ફરતી થઈ ન શકે. પરત આવતી નોટોને બેન્કો અને પોસ્ટ ઓફિસની શાખાઓમાંથી ઉઠાવી તેને સુરક્ષિત રીતે નાશ કરવામાં આવતાં કેન્દ્રો પર મોકલવામાં આવે છે. આ તમામ પ્રકિયા આરબીઆઈની સખત વોચ હેઠળ કરવામાં આવે છે. નોટોને ઈંટમાં ફેરવી નાખ્યા બાદ તેને આરબીઆઈ તેના વિવિધ કાર્યાલયો દ્વારા તેની હરાજી કરી દે છે. અને આ માટે ટેન્ડર બહાર પાડવામાં આવે છે. આ વખતે આવું કામ કેટલું મોટુ હશે તે આવા આંકડા પરથી સમજી શકાય તેમ છે.૨૦૧૨-૧૩માં ૧૦૦૦ની ૪.૫૦ કરોડની નોટોનો નાશ કરવામાં આવ્યો હતો. પરંતુ આ વખતે ૧૦૦૦ની ૬.૩૨ અબજ નોટોનો નાશ કરવાની તૈયારી કરવી પડશે. આ ‍વખતે ૫૦૦ની ૭.૮૫ અબજ નોટોને નાશ કરવી પડશે. તે રીતે આ વખતે આરબીઆઈની આવી કામગીરી વધી જશે.
visit : www.sambhaavnews.com

You might also like