બેરોકટોક બેન્ક ચાર્જિસની મનમાની રોકવા આરબીઆઈ દખલગીરી કરી શકે છે

મુંબઇ: દેશની જાહેર ક્ષેત્રની બેન્કો સહિત ખાનગી ક્ષેત્રની બેન્કો છેલ્લા કેટલાય સમયથી બેરોકટોક બેન્ક ચાર્જિસ ગ્રાહક પાસેથી વસૂલી રહી છે. જાહેર ક્ષેત્રની અગ્રણી બેન્ક એસબીઆઇએ તાજેતરમાં જ મિનિમમ બેલેન્સ મેઇન્ટેન નહીં કરનાર ગ્રાહકો પર પેનલ્ટી લાદવાની જાહેરાત કરી છે, જેના પગલે સોશિયલ મીડિયામાં પણ આ ચાર્જિસ સામે વિરોધનો વંટોળ ઊભો થયો છે અને બેન્ક દ્વારા બેરોકટોક આ ચાર્જિસ નહીં લાદવા માટેના મેસેજ સોશિયલ મીડિયામાં વહેતા થયા છે, જેના પગલે રિઝર્વ બેન્કે પણ બેન્ક દ્વારા લાદેલ ચાર્જિસ પ્રત્યે સરકારનું ધ્યાન દોર્યું છે. બેન્કો ગ્રાહક પાસેથી જુદા જુદા બેનર હેઠળ કેટલાય પ્રકારના સીધા અને આડકતરા ચાર્જિસ વસૂલે છે, જેમાં મિનિમમ બેલેન્સ રાખવા સહિતના અનેક પ્રકારના ચાર્જિસ સામેલ છે.

ખાનગી અને જાહેર ક્ષેત્રની બેન્કો વચ્ચે વધતી જતી હરીફાઇ તથા વધતા જતા મેઇન્ટેનન્સ ખર્ચનું ભારણ ઘટાડવા બેન્કો આ ચાર્જિસ સમયાંતરે વધારતી રહે છે ત્યારે બેન્કોએ ગ્રાહક પાસેથી કેટલી ટકાવારીમાં આ ચાર્જિસ વસૂલવા જોઇએ તે અંગેની ચર્ચા વહેતી થઇ છે. બેન્કિંગ સેક્ટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે ૦.૫ ટકાથી વધુ ચાર્જિસ હોવો જોઇએ નહીં, કેમ કે મોંઘવારી પાછલા કેટલાક સમય કરતાં ઘટી છે. ડિજિટલાઇઝેશન અને ગ્રાહકોના ઓનલાઇન ટ્રાન્ઝેક્શન વધતાં બેન્કોની આવકમાં વધારો થયો છે. આ અંગે આરબીઆઈના પૂર્વ ડેપ્યુટી ગવર્નર આર. ગાંધીના જણાવ્યા પ્રમાણે એક ઓથોરિટીના દૃષ્ટિકોણથી બેન્કોએ ચાર્જિસ યોગ્ય પ્રમાણમાં લાદવા જોઇએ. બેન્કના કેટલાય ગ્રાહકો એવું માની રહ્યા છે કે કેટલીક સેવા ફ્રી હોવી જોઇએ, જોકે ગ્રાહકોનો આ તર્ક યોગ્ય નથી.

http://sambhaavnews.com/

You might also like