પેમેન્ટ બેન્કમાં હવે અેક લાખ રૂપિયા જ જમા કરાવી શકાશેઃ રિઝર્વ બેન્ક

મુંબઈ: ભારતીય રિઝર્વ બેન્કે પેમેન્ટ બેન્ક અને સ્મોલ ફાઈનાન્સ બેન્ક સંબંધી આદેશ આપતાં જણાવ્યું છે કે પેમેન્ટ બેન્ક હવે માત્ર એક લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ જ સ્વીકારી શકશે. આ જ પ્રકારે સ્મોલ ફાઈનાન્સ બેન્કને ન્યૂનતમ બેલેન્સ, બંધ ખાતાં, અરજી સુવિધા અને ચેક અથવા ડ્રાફટ સંબંધિત નિયત નિયમોનું પાલન કરવાનું રહેશે. આરબીઆઈએ ગત વર્ષે ૧૧ પેમેન્ટ બેન્ક અને ૧૦ સ્મોલ ફાઈનાન્સ બેન્ક બનાવવા માટે મંજૂરી આપી હતી.

આરબીઆઈના નવા આદેશ મુજબ પેમેન્ટ બેન્કોને તેમની ડિમાન્ડ ડિપોઝિટ બેલેન્સની ઓછામાં ઓછી ૭૫ ટકા રકમ એક વર્ષની પાકતી મુદત‍વાળી સરકારી સિક્યો‌િરટી અથવા ટ્રેઝરી બિલમાં રાખવી પડશે. આ કામ ત્રણ દિવસમાં જ કરવું પડશે. આવી સિકયો‌િરટી કાયદેસર આરક્ષિત અનુપાત (એસએલઆર)ને જા‍‍ળવી રાખવા આરબીઆઈની મંજૂરીવાળી હોવી જરૂરી રહેશે. સ્મોલ ફાઈનાન્સ બેન્ક તેના કારોબારીઓ અને તેના સમૂહની કંપનીઓને બેન્કિંગ કોરસપોન્ડન્ટ તરીકે જોડી શકશે. આ બેન્કો માટે ન્યૂનતમ મૂડી પર્યાપ્તતા મૂળ રકમના ૧૫ ટકા રાખવી અનિવાર્ય રહેશે. આ બેન્ક જે પણ પ્રોડકટ ગ્રાહકોને ઉપલબદ્ધ કરાવશે. તેની યાદી લાઈસન્સ માટે અરજી કરતી વખતે જ આરબીઆઈને સોંપવી પડશે.

રિઝર્વ બેન્કે એવી પણ સ્પષ્ટતા કરી છે કે એસએફબીને લાઈસન્સિંગ આદેશ હેઠળ મંજૂરી અંગેની કાર્યવાહીને છોડી કોઈ પણ પ્રકારની પેરા બેન્કિંગમાં સામેલ થવાની મંજુરી નહિ મળે. આરબીઆઈએ ઉજજીવન ફાઈનાન્શિયલ સર્વિસીસ, જનલક્ષ્મી ફાઈનાન્શિયર્સ, એયુ ફાઈનાન્શિયર્સ, ઉત્કર્ષ માઈક્રો ફાઈનાન્સ સહિત અનેક સંસ્થાઓને સ્મોલ બેન્ક ખોલવાની મંજૂરી આપી હતી. આ ઉપરાંત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આદિત્ય બિરલા નુવો, એરટેલ અને ઈન્ડિયા પોસ્ટ સહિત ૧૧ સંસ્થાને પેમેન્ટ બેન્ક શરૂ કરવા મંજૂરી મળી હતી.

You might also like