બેન્કો કાર્યવાહી કરવામાં એકસરખું વલણ રાખેઃ રાજન

મુંબઇ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર રઘુરામ રાજને બેન્ક કર્મચારીઓને જણાવ્યું છે કે ખોટું કરનારા સામે બેન્કો કાર્યવાહી કરવામાં નાના અને મોટા વર્ગના લોકો વચ્ચે ફરક ના રાખે. તેમણે વધુમાં જણાવ્યું કે ભારત આર્થિક રીતે નબળો દેશ છે અને એવો પણ આરોપ છે કે ખોટું કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં વહીવટી ક્ષમતા નથી અને બેન્કોમાં ખોટું કરનારાઓ જો ધનિક વર્ગના હોય તો તેઓ સજામાંથી બચી જાય છે. રાજને જણાવ્યું કે આ ધારણા એટલા માટે બની રહી છે કે કોઇ પણ અમીર વર્ગના લોકોની જો ઓળખાણ ઊંચી હોય તો તેઓ સામે કાર્યવાહી કરવાનું બેન્કો ઓછું પસંદ કરી રહી છે.

રાજને વધુમાં જણાવ્યું કે નિયમોનું પાલન ન કરનારાઓને ઓળખી કાઢવા જોઇએ તથા તેઓને સજા દેવા માટે સિસ્ટમ મજબૂત કરવી જોઇએ અને આ સંબંધે સતત ચર્ચા કરવાની જરૂરિયાત છે. તેમણે કહ્યું કે નિયમો તોડનારા સામે જો શરૂઆતથી જ કાર્યવાહી કરાય તો સમસ્યા પાછળથી મોટું સ્વરૂપ ધારણ કરતી નથી.

ઉલ્લેખનીય છે કે બેન્કોની એનપીએમાં સતત વધારો થઇ રહ્યો છે તથા ડીફોલ્ટરો સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે કોઇ મજબૂત સિસ્ટમ ન હોવાને કારણે બેન્કોનાં નાણાં જલદી પાછાં આવી શકતાં નથી તેવા સમયે આરબીઆઈના ગવર્નરનું નિવેદન મહત્ત્વનું સાબિત થાય છે.

You might also like