સરકારને રૂ. 50 હજાર કરોડનું ડિવિડન્ડ ચૂકવવા RBIનો નિર્ણય

મુંંબઇ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ જૂન મહિનામાં સમાપ્ત નાણાકીય વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારને રૂ. ૫૦ હજાર કરોડનું ડિવિડન્ડ આપવાનો નિર્ણય કર્યો છે. બુધવારે યોજાયેલી આરબીઆઇની બોર્ડ મિટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આરબીઆઇ જુલાઇ-જૂન વચ્ચેના સમયગાળાને પોતાનું નાણાકીય વર્ષ ગણે છે. રિઝર્વ બેન્ક દ્વારા નિર્ધારિત કરવામાં આવેલ ડિવિડન્ડ ગત નાણાકીય વર્ષથી ઘણું વધુ છે. ગયા વર્ષે રિઝર્વ બેન્કે સરકારને રૂ. ૩૦,૬૫૯ કરોડનું ડિવિડન્ડ આપ્યું હતું.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આ સંદર્ભે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે રિઝર્વ બેન્કના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયેક્ટર્સે ૮ ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ યોજાયેલી બેઠકમાં ૩૦ જૂન, ૨૦૧૮ના રોજ સમાપ્ત થયેલ નાણાકીય વર્ષ માટે ભારત સરકારને રૂ. ૫૦ હજાર કરોડની સરપ્લસ ટ્રાન્સફર કરવા મંજૂરી આપી છે.

આરબીઆઇએ આ અગાઉ ૩૦ જૂન, ૨૦૧૭ના રોજ સમાપ્ત થયેલા નાણાકીય વર્ષ માટે સરકારને રૂ. ૩૦,૬૫૯ કરોડનું ડિવિડન્ડ આપ્યું હતું, જે અગાઉના વર્ષ (રૂ. ૬૫,૮૭૬ કરોડ) ટ્રાન્સફર કરવામાં આવેલ સરપ્લસની તુલનાએ અડધાથી પણ ઓછું હતું. આ વર્ષે માર્ચમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ વર્ષ ૨૦૧૭-૧૮ માટે રૂ. ૧૦ હજાર કરોડનું ઇન્ટરીમ ડિવિડન્ડ ચૂકવ્યું હતું.

જૂન-૨૦૧૭માં સમાપ્ત થયેલા નાણાકીય વર્ષ માટે સરપ્લસ પેમેન્ટમાં થયેલા ઘટાડાનું કારણ નોટબંધીને લઇને આરબીઆઇનો વધી ગયેલો ખર્ચ ગણાવવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે ૯ નવેમ્બર, ૨૦૧૬ના રોજ નોટબંધીની જાહેરાત કરીને રૂ. ૫૦૦ અને રૂ. ૧,૦૦૦ની ચલણી નોટો કાનૂની ચલણમાંથી પાછી ખેંચી લીધી હતી અને તેના પગલે રિઝર્વ બેન્કનો ખર્ચ વધતાં ગત સાલ તેના દ્વારા ઓછું ડિવિડન્ડ ચૂકવવામાં આવ્યું હતું.

You might also like