જન ધન ખાતામાંથી હવે મહિનામાં માત્ર રૂ.૧૦,૦૦૦ ઉપાડી શકાશે

નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ જન ધન ખાતાઓમાંથી ઉપાડને લઇને એક મોટો નિર્ણય કર્યો છે. આરબીઆઇએ જન ધન ખાતાઓમાંથી એક મહિનામાં રૂ.૧૦,૦૦૦થી વધુ રકમ ઉપાડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આરબીઆઇએ આ અંગે એક નવો પરિપત્ર જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે જે ખાતાઓમાં કેવાયસી (નો યોર કસ્ટમર) દસ્તાવેજો જમા હોય એવા ખાતામાંથી જ એક મહિનામાં રૂ.૧૦,૦૦૦ સુધીની રકમ ઉપાડી શકાશે. જ્યારે જે ખાતાઓમાં કેવાયસી દસ્તાવેજો ઉપલબ્ધ ન હોય એવા ખાતાઓમાં મહિનામાં એક વખત જ માત્ર રૂ.પ,૦૦૦ ઉપાડી શકાશે.

આરબીઆઇએ પરિપત્રમાં જણાવ્યું છે કે કેવાયસી હેઠળ બેન્ક ખાતાધારકોએ પોતાનું ઓળખપત્ર, રહેણાકનો પુરાવો અને અદ્યતન ફોટો બેન્કમાં જમા કરાવવો પડશે. રિઝર્વ બેન્કે પરિપત્રમાં એવી પણ સ્પષ્ટતા કરી છે કે એક મહિનામાં જન ધન ખાતામાંથી રૂ.૧૦,૦૦૦ ઉપાડવા માટે ખાતાધારકોએ બેન્કોને યોગ્ય દસ્તાવેજો બતાવવા પડશે અને આ રકમ શા માટે જોઇએ છે તેનું કારણ પણ આપવું પડશે. બેન્ક મેનેજર ઇચ્છે તો ખાતાધારકની જરુરિયાતને ધ્યાનમાં રાખી આ મર્યાદા રૂ.૧૦૦૦૦ કરતાં વધારી પણ શકશે.

આરબીઆઇએ જણાવ્યું છે કે આ પગલું વડા પ્રધાન જન ધન યોજના હેઠળ બેન્ક ખાતા ખોલાવનારા ખેડૂતો અને ગ્રામીણ ખાતાધારકોને કાળું નાણું ધરાવતા લોકોની ચુંગાલમાં ફસાતા અટકાવવા માટે લેવાયું છે.  અત્રે ઉલ્લેખનીય છે કે ૮ નવેમ્બરે રૂ.પ૦૦, ૧૦૦૦ની જૂની ચલણી નોટો કાયમી ચલણમાંથી નાબૂદ કરાયા બાદ જન ધન બેન્ક ખાતાઓમાં અત્યાર સુધીમાં રૂ.૬૪રપર.૧પ કરોડ જમા થયા છે. આ યાદીમાં ઉત્તરપ્રદેશ સૌથી મોખરે છે. ઉત્તરપ્રદેશમાં અત્યાર સુધીમાં રૂ.૧૦૬૭૦.૬ર કરોડ જન ધન ખાતાઓમાં જમા થયા છે. ત્યારબાદ બીજો નંબર પશ્ચિમ બંગાળ અને ત્રીજો નંબર રાજસ્થાનનો આવે છે. આ માહિતી શુક્રવારે સંસદમાં આપવામાં આવી હતી.
http://sambhaavnews.com/

You might also like