આરબીઆઈની બેઈઝ રેટની નવી ફોર્મ્યુલાનો એપ્રિલથી અમલ થશે

મુંબઇ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા બેન્કો માટે બેઇઝ રેટની ગણતરી માટે નવી ફોર્મ્યુલા લાવી રહી છે, જેનો સૌથી વધુ ફાયદો લોન લેનાર નવા ગ્રાહકોને થશે. લોન લેવા માટે બેઇઝ રેટને સ્ટાન્ડર્ડ માનવામાં આવે છે, પરંતુ આ ગણતરીમાં આરબીઆઇ ફેરફાર કરી રહી છે. આરબીઆઇ રેપો રેટમાં કરવામાં આવતા ઘટાડાને બેન્કો દ્વારા આપવામાં આવતી લોનના રેટ સામે લિન્ક કરી રહી છે, જેથી ગ્રાહકને તેનો સીધો ફાયદો થશે. આરબીઆઇ આગામી એપ્રિલ મહિનાથી બેઇઝ રેટની નવી ફોર્મ્યુલાની અમલવારી કરી શકે છે.

આરબીઆઇના ગવર્નર રઘુરામ રાજનના જણાવ્યા પ્રમાણે આરબીઆઇએ કેલેન્ડર વર્ષ ૨૦૧૫માં અત્યાર સુધીમાં વ્યાજદરમાં ૧.૨૫ ટકાનો ઘટાડો કર્યો છે, પરંતુ તેની સાથે બેન્કોએ અત્યાર સુધીમાં માત્ર ૦.૬૦ ટકાનો જ ઘટાડો કર્યો છે. આમ, બેન્કોએ લોન લેનાર ગ્રાહકોને અપેક્ષા મુજબનો ફાયદો પહોંચાડ્યો નથી, જેની ફરિયાદ પણ ઊઠી છે, જેના પગલે આરબીઆઇ બેઇઝ રેટની ગણતરીની નવી ફોર્મ્યુલા બનાવી રહી છે.

બેન્કિંગ સેક્ટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે આરબીઆઇ એ પ્રકારની સિસ્ટમ ઊભી કરી રહી છે કે રેપો રેટમાં વધ-ઘટની સીધી અસર બેન્કોના બેઇઝ રેટ સાથે લિંકઅપ થાય અને લોન ઉપરના વ્યાજદરની વધ-ઘટ થાય.

You might also like