પાસબુકમાં ક્રેડિટ-ડેબિટની વિગતો વિસ્તૃત રીતે અાપવા બેન્કોને અાદેશ

અમદાવાદ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ તમામ બેન્કના ગ્રાહકોની એકાઉન્ટ પાસબુકમાં જરૂરી વિગતો જેવી કે ડેબિટ-ક્રેડિટની તમામ એન્ટ્રી વિસ્તૃત રીતે આપવા આદેશ કર્યો છે. આરબીઆઇએ એક નવો સકર્યુલર જારી કરીને બેન્કોને આ આદેશ કર્યો છે. રિઝર્વ બેન્કે બેન્કોની પાસબુક અને સ્ટેટમેન્ટમાં થયેલી લેવડદેવડ અંગે સંપૂર્ણ વિગતો આપવા જણાવ્યું છે કે જેેથી ગ્રાહક તેની સંપૂર્ણ તપાસ અને ચકાસણી કરી શકે. રિઝર્વ બેન્કે પાસબુક સ્ટેટમેન્ટમાં અઘરી રીતે વિગતો નહીં આપવા અને સંક્ષિપ્તમાં યોગ્ય રીતે વિગતો આપવા જણાવ્યું છે કે જેથી ડિપોઝિટરને મુશ્કેલી ન પડે.

રિઝર્વ બેન્કે વધુ શ્રેષ્ઠ ગ્રાહક સેવા માટે આ નિર્ણય કર્યો છે. પરિપત્રમાં જણાવાયું છે કે એવી જાણકારી મળી છે કે કેટલીક બેન્ક હજુ પણ પાસબુકમાં ટ્રાન્ઝેકશનની જરૂરી સૂચનાઓ આપતી નથી. આ ઉપરાંત ખાતાનું સંપૂર્ણ સ્ટેટમેન્ટ કેટલાય ગ્રાહકોને મળતું નથી, પરિણામે બેન્કોને આદેશ કર્યો છે કે પાસબુકમાં ખાતાની જરૂરી એન્ટ્રી યોગ્ય રીતે વિગતવાર આપે. આરબીઆઇએ આ માટે પરિપત્ર સાથે એક બીડાણ પણ જારી કર્યું છે, જેમાં જણાવેલ તમામ એન્ટ્રીઓ ગ્રાહકની પાસબુકમાં આપવી જરૂરી બનશે.

થર્ડ પાટી પેમેન્ટ હેઠળ પેયીનું નામ, ટ્રાન્સફરનું માધ્યમ, ક્લિયરિંગ, નેફટ, આરટીજીએસ, ચેક નં. વગેરે વિગતો આપવી પડશે એટલું જ નહીં, જે બેેન્કમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હોય તેનું નામ પણ આપવું પડશે. સેલ્ફ પેમેન્ટના મામલામાં પેયી તરીકે સેલ્ફ સ્પષ્ટપણે લખવું જરૂરી છે. જો પેમેન્ટ એટીએમ કે બીજી શાખા દ્વારા થયું હોય તો એટીએમ-શાખાનું નામ લખવું જરૂરી બનશે.

ડ્રાફટ, પે-ઓર્ડર કે બીજા પેમેન્ટ માધ્યમ દ્વારા પેમેન્ટ થયું હોય તો પેયીનું નામ, ડ્રાફટ જે બેેન્કમાંથી ઇશ્યૂ થયો હોય તે બેન્કનું નામ, શાખા અને સર્વિસ બ્રાન્ચની વિગતો આપવી પડશે. બેન્ક ચાર્જિસની પણ વિગતો પાસબુકમાં દર્શાવવી પડશે. ખોટી ક્રેડિટના રિફંડ સાથે સંકળાયેલા ચાર્જિસ હોય તો તેની પણ વિગતો દર્શાવવી પડશે. એફડી/રિકરિંગ ડિપોઝિટની મેચ્યોરિટી સાથે સંકળાયેલ ક્રેડિટની તમામ વિગતો રકમ, તારીખ, ડિપોઝિટ હોલ્ડરનું નામ, ખાતા નંબર દર્શાવવા પડશે.
http://sambhaavnews.com/

You might also like