વિવાદાસ્પદ નિવેદન પર ચારે તરફથી ઘેરાયેલા રેમન્ડ મૂરે રાજીનામું આપ્યું

લોસ એન્જલસઃ મહિલા ટેનિસ પર વિવાદિત નિવેદન બાદ રેમન્ડ મૂરને ૨૪ કલાકની અંદર પોતાની ખુરશી છોડી દેવી પડી છે. ચોતરફથી ટીકાઓ બાદ દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી રેમન્ડ મૂરને ઇન્ડિયન વેલ્સ ઓપન ચેમ્પિયનશિપના મુખ્ય કાર્યકારી અધિકારી અને ટૂર્નામેન્ટના ડિરેક્ટરપદેથી રાજીનામું આપી દેવાની ફરજ પડી છે.

મૂરે ગત સોમવારે કહ્યું હતું કે, ”ટોચની મહિલા ટેનિસ ખેલાડી પુરુષ ખેલાડીઓની આંગળી પકડીને ચાલી રહી છે. મહિલાઓ ઘણી ભાગ્યશાળી છે કે તેઓને પુરુષોની બરોબર ઈનામી રકમ મળી રહી છે.” મૂર આટલેથી જ નહોતો અટક્યો, તેણે એટલે સુધી કહી નાખ્યું હતું કે, ”જો તે મહિલા ખેલાડી હોત તો રોજ રાત્રે ઘૂંટણભેર બેસીને ભગવાનનો આભાર માનીને કહેત કે રોજર ફેડરર અને રાફેલ નાડાલ જેવા ખેલાડીઓનો જન્મ થયો છે અને તેઓ જ આ રમતને આગળ વધારી રહ્યા છે.”

ટેનિસજગતે મૂરના નિવેદનની આકરા શબ્દોમાં નિંદા કરી હતી. જોકે મૂરે થોડા સમયમાં જ માફી માગી લીધી હતી. ટૂર્નામેન્ટના માલિક લેરી એલિસને નિવેદન જારી કરીને કહ્યું હતું કે, ”મૂરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અમને ગર્વ છે કે અમારી ટૂર્નામેન્ટ ઇન્ડિયન વેલ્સ અને અન્ય મોટી ચેમ્પિયનશિપમાં મહિલા અને પુરુષ ખેલાડીઓને એકસરખી ઈનામી રકમ આપવામાં આવી રહી છે.” મૂરે ગત વર્ષે જ ટૂર્નામેન્ટ ડિરેક્ટરનું પદ સંભાળ્યું હતું.

You might also like