કાચા કામના કેદી વકીલ સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરશે

અમદાવાદ: ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરેટી દ્વારા લીગલ આસિસ્ટન્સ એસ્ટાબ્લિશમેન્ટની સ્થાપના કરવામાં આવી છે. આજે વહેલી સવારે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અને નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન દીપક મિશ્રાએ તેનું ઉદધાટન કર્યું હતું. જેમાં રાજ્યના કાયદા તેમજ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, હાઇકોર્ટ ચીફ જસ્ટીસ આર.સુભાષ રેડ્ડી, 10 રાજ્યના લીગલ સર્વિસ ઓથોરેટીના ચેરમેન સહિત મહાનુભવો હાજર રહ્યા હતા. આ ન્યાય સહાયતા કેન્દ્ર મારફતે નાગરિકો વિના મૂલ્યે ન્યાયિક અભિપ્રાય મેળવી શકશે. તદઉપરાંત જેલમાં રહેલા કાચા કામના કેદીઓ વીડિયો કોન્ફરન્સ થકી લીગલ એઇડના વકીલો સાથે સીધી વાતચીત કરી શકશે.

ન્યાય સંપર્ક નામના આ પ્રોજેક્ટમાં લોકોને એક જ સ્થળેથી વિવિધ સુવિધા મળશે. જેમાં કાનૂની સહાય મેળવતી વ્યકિતઓને તેમના કેસની સલાહ, પેન્ડિંગ કેસને લગતી તમામ માહિતી મળશે. આ પ્રોજેક્ટ અંતર્ગત લીગલ સર્વિસીસ ઓથોરિટીના પેનલ એડ્વોકેટ અને પેરા લીગલ વોલેન્ટિયર્સ પણ મળી રહેશે, મહત્વની વાત એ છે કે ગુજરાતની જેલ અને સબ જેલમાં રહેલા કાચા કામના કેદીઓને ફાળવવામાં આવેલા લીગલ એઇડના વકીલ સાથે તેઓ વીડિયો કોન્ફરન્સથી સીધી વાત કરી શકશે. આ સિવાય સરકારની વિવિધ યોજનાઓના લાભો અંગેની માહિતી પણ પૂરી પાડવામાં આવશે.

જસ્ટીસ દીપક મિશ્રાએ વીડિયો કન્સલ્ટન્ટ રૂમનું ઉદધાટન કરતાં સાબરમતી જેલના વડા, રાજકોટ જેલના જેલર, સુરત જેલના અધિક્ષક, બરોડા જેલના અધિક્ષક તેમજ સેશન્સ કોર્ટમાં વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી. આ સિવાય કોન્ફરન્સમાં નિવેદન કર્યું કે નીડરતા, નીતિમત્તા, આદ્યાત્મિક્તાનું મિશ્રણ સમાજસેવાનો ભાવ ઊભો કરે છે. ન્યાય સંપર્ક પ્રોજેક્ટ આ વિચારનું એક બીજ છે. ત્યારે કાયદા પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે આ પ્રોજેક્ટ લોકો માટે લાભદાયી બનશે. તમામ લોકોને તેમના કેસની તાજી માહિતી મળી રહેશે. આ સિવાય ન્યાય સંપર્કના પ્રોજેક્ટમાં સમાજમાં દરેક અલગ અલગ લોકોની સમસ્યાને અગ્રિમતા આપવા ટોલ ફ્રી નંબર પણ કરવામાં આવ્યો છે.
http://sambhaavnews.com/

You might also like