જજીસ બંગલો રોડ પર રો-હાઉસ પચાવી પાડવા બે શખસો પોલીસ બોલાવીને ફસાયા

અમદાવાદ: શહેરના જજીસ બંગલા રોડ પર આવેલા ગોયલપાર્ક રો-હાઉસના એક મકાનમાં ગઇ કાલે બે યુવકોએ કબજો જમાવવા મકાનનું તાળું તોડી પોતાનું તાળું લગાવી મકાન માલિકને ધાકધમકી આપી પોલીસ કંટ્રોલરૂમમાં ખોટો મેસેજ કર્યાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પોલીસે આ મામલે બે આરોપીની ધરપકડ કરી છે.

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ થલતેજ વિસ્તારમાં સારથિ બંગલોઝમાં રહેતા અને વિનાયક ડેવલપર્સના નામે કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરતા મહેશકુમાર ભગવાનદાસ પટેલે તેમની પુત્રી કોષાબહેન પટેલના નામે બોડકદેવના જજીસ બંગલા રોડ પર આવેેલા ગોયલપાર્ક રો-હાઉસમાં આવેલ મકાન રૂ.૪૭ લાખમાં ખરીદ્યું હતું, જેના દસ્તાવેજો મકાન માલિક ધારાબહેન અલકેશભાઇ નાયકે મહેશકુમારને સોંપી દીધા હતા.

ગોયલપાર્કમાં રપ નંબરના મકાનમાં રહેતા વિરેનભાઇ શેઠના ઘરે લગ્ન પ્રસંગ હોઇ મહેશભાઇએ મકાન વાપરવા માટે તેઓને આપ્યું હતું. ગઇ કાલે બે મજૂર મકાન સાફ કરતા હતા ત્યારે મહાદેવભાઇ નાગરભાઇ દેસાઇ (રહે.કર્ણાવતીનગર, પ્રહ્લાદનગર) અને મેરાજભાઇ ભગવાનભાઇ દેસાઇ (રહે.શેષ નાગ સોસાયટી, વસ્ત્રાપુર)એ દરવાજાનો આગળો કાઢી તાળું માર્યું હતું. મહેશભાઇએ આ બાબતે બંને સાથે વાત કરતાં તેઓએ કબજા વગરનું નોટરી બનાખત છે તેમ જણાવ્યું હતું અને તમારાથી થાય તે કરી લેજો, આ મકાનનું નામ લેશો તો તેનું પરિણામ ભોગવવું પડશે તેમ કહી પોલીસ કંટ્રોલરૂમમાં મહેશભાઇ પટેલ નામની વ્યક્તિ મારા મકાનનું તાળું તોડી અંદર પ્રવેશી છે તેવો ખોટો મેસેજ કર્યો હતો.
http://sambhaavnews.com/

You might also like