રવીન્દ્ર જાડેજા સામે સુઓમોટો કરવા હાઈકોર્ટ સમક્ષ માગણી

અમદાવાદ: ગુજરાતના ક્રિકેટર રવીન્દ્ર જાડેજા બે દિવસ અગાઉ પત્ની રિવાબા અને મિત્રો સાથે જૂનાગઢના સાસણગીરમાં સિંહદર્શન કરવા ગયા હતા. જ્યાં રવીન્દ્ર જાડેજાએ ગાડીમાંથી નીચે ઊતરી સિંહ સાથે સેલ્ફી લીધી હતી. આ સેલ્ફી અને સિંહ સાથેના ફોટા સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા.

આ અંગે પોરબંદરના એડ્વોકેટ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો દાખલ કરવા અરજી કરાઈ છે જેમાં રજૂઆત કરાઇ છે કે રવીન્દ્ર જાડેજાએ ગીરના જંગલમાં જઇ વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એકટનો ભંગ કર્યો છે. ગીરના જંગલમાં ૧ જૂનથી ફોટા અને સેલ્ફી લેવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં રવીન્દ્ર જાડેજાએ પત્ની રિવાબા સાથે ફોટા પડાવ્યા હતા. આ અંગે વન વિભાગ દ્વારા પણ તપાસનો આદેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

પોરબંદરના એડ્વોકેટ ભનુભાઇ એન. ઓડેદરાએ ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો દાખલ કરી અને તપાસ કરવા અંગેની માંગ કરતી અરજીમાં રજૂઆત કરી છે કે જૂનાગઢના સાસણગીરમાં ૧૬ જૂનથી ૧૬ ઓક્ટોબર સુધી ચાર મહિનાનું વેકેશન હોઇ. વન સેન્ચુરીમાં પ્રવેશવા પર પ્રતિબંધ હોવા છતાં ૧પ જુનના રોજ ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ વન વિભાગના અધિકારીઓ સાથે પ્રતિબંધિત વિસ્તારમાં સિંહદર્શન કરી ગાડીમાંથી નીચે ઊતરવાની મનાઇ હોવા છતાં જંગલમાં ખુલ્લેઆમ સિંહ સાથે ફોટોગ્રાફ અને સેલ્ફી લઇ વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એકટનો ભંગ કર્યો છે.

મુખ્ય વનસંરક્ષક અને વન વિભાગની બેદરકારીના કારણે કેટલાય સિંહ તેમજ સિંહનાં બચ્ચાં મોતને ભેટે છે. જાણીતી સેલિબ્રિટીઓ, કલાસ વન અધિકારીઓ અને રાજકીય લોકો ગેરકાયદે પ્રતિબંધિત વિસ્તારમાં સિંહદર્શન માટે આવી વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એકટનો ભંગ કરે છે.

ઉપરાંત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ક્રિકેટર રવીન્દ્ર જાડેજા અને પત્ની રિવાબા સાથે લીધેલા સેલ્ફી-ફોટા બાબતે વન વિભાગ દ્વારા તપાસના આદેશ અપાયા છે. જો કોઇ વાઇલ્ડ લાઇફ એકટનો ભંગ થયો હશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

You might also like