રવીન્દ્ર-બબિતાને ઓલિમ્પિકની ટિકિટઃ ઇતિહાસ રચવા તૈયાર

નવી દિલ્હીઃ ભારતીય પહેલવાનો રવીન્દ્ર ખત્રી અને બબિતા કુમારીએ પોતપોતાની હરીફો ડોપ ટેસ્ટમાં ફેઇલ થઈ જવાને કારણે ઓલિમ્પિકમાં સ્થાન હાંસલ કરી લીધું છે. રિયો માટે ક્વોલિફાય કરવાની સાથે રમતના મહાકુંભમાં ભારતને કુસ્તીમાં કુલ આઠ ક્વોટા સ્થાન મળી ચૂક્યાં છે.
ખત્રીએ ગ્રીકો-રોમન ૮૫ કિલો વર્ગમાં પાત્રતા હાંસલ કરી છે, કારણ કે કર્ગિસ્તાનના કેન્ઝિવ ઝાનારબેકનો એશિયન ઓલિમ્પિક ક્વોલિફાયરમાં ડોપ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો હતો.
આ જ રીતે ૫૩ કિલો ફ્રી સ્ટાઇલ વર્ગમાં મોંગોલિયાના પહેલવાન સુમિયા ઇર્ડેનચિમેગ ડોપ ટેસ્ટમાં નિષ્ફળ જવાથી બબિતાને રિયો ઓલિમ્પિકમાં એન્ટ્રી મળી ગઈ છે. ગત સપ્તાહે વિનેશ ફોગટ અને સાક્ષી મલિકે બીજી વિશ્વ ઓલિમ્પિક ક્વોલિફાઇંગ ઇવેન્ટમાં પાત્રતા હાંસલ કરી હતી. એવું પહેલી વાર બનશે કે જ્યારે ભારત કુસ્તીના ત્રણે ફોર્મેટ (પુરુષ ફ્રી સ્ટાઇલ, પુરુષ ગ્રીકોરોમન અને મહિલા કુસ્તી)માં ભાગ લઈ રહ્યું છે.

You might also like