અશ્વિન-જડ્ડુની જોડીએ ૬૦માંથી ૪૧ વિકેટ ઝડપી

ઇન્દોરઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં ભારતીય સ્પિન જોડી મહેમાન ટીમ માટે કાળ બની રહી. આર. અશ્વિન અને રવીન્દ્ર જાડેજાએ ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોની આકરી પરીક્ષા કરી. શ્રેણીની ત્રણ ટેસ્ટમાં કિવી ટીમે ૬૦ વિકેટ ગુમાવી, જેમાંથી ૪૧ વિકેટ આ જોડીએ ઝડપી. અશ્વિને ઇન્દોર ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં છ અને બીજી ઇનિંગ્સમાં સાત વિકેટ ઝડપી.

બોલિંગની વાત કરીએ તો અશ્વિન વર્તમાનમાં કંઈ જ ખોટું નથી કરી રહ્યો. દરેક મેચમાં તેનું પ્રદર્શન વધુ ને વધુ સારું થતું રહ્યું છે. કેપ્ટન કોહલીએ જ્યારે પણ તેને બોલ સોંપ્યો, તેણે વિકેટના રૂપમાં ટીમને સફળતા અપાવી. આ શ્રેણીમાં તેણે પોતાની ૨૦૦ ટેસ્ટ વિકેટ પણ પૂરી કરી. અશ્વિન ટીમ ઇન્ડિયાનો ટ્રમ્પ કાર્ડ બની ગયો છે અને શ્રેણીમાં લગભગ ૧૭.૭૭ની સરેરાશથી ૨૭ વિકેટ ઝડપી. આ દરમિયાન એક ઇનિંગ્સમાં તેણે ત્રણ વાર પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપી. બે વાર એક મેચમાં તેણે ૧૦ કે તેથી વધુ વિકેટ ઝડપી.

શ્રેણીના વિજયમાં જાડેજાએ પણ અશ્વિનને સારો એવો સાથ આપ્યો. જાડેજાએ ૨૪.૦૭ની સરેરાશથી ૧૪ વિકેટ ઝડપી, જેમાં એક વાર પાંચ વિકેટ પણ સામેલ છે. જાડેજાએ બેટિંગમાં પણ દમ દેખાડ્યો. શ્રેણીની ત્રણ મેચમાં તેણે ૬૪.૫૦ની શાનદાર સરેરાશથી ૧૨૯ રન બનાવ્યા, જેમાં એક અર્ધસદી સામેલ છે.

You might also like