અશ્વિને ‘યો-યો’ ટેસ્ટ પાસ કર્યોઃ હવે રણજી ટ્રોફીમાં રમશે

ચેન્નઈઃ ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર આર. અશ્વિને બેંગલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડેમીમાં ‘યો-યો’ ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે. અશ્વિન તાજેતરમાં જ તામિલનાડુ તરફથી આંધ્રપ્રદેશ સામે રમ્યો હતો. અશ્વિને ટ્વિટ કર્યું કે, ”બેંગલુરુની યાત્રા શાનદાર રહી. યો-યો ટેસ્ટ પાસ કર્યો. હવે રણજી ટ્રોફી ૨૦૧૭. ટીમ તામિલનાડુ.”

ઈંગ્લેન્ડમાં વોસ્ટરશાયર તરફથી કાઉન્ટી ક્રિકેટ રમીને પાછા ફર્યા બાદ પોતાના રાજ્ય (તામિલનાડુ) તરફથી રણજી ટ્રોફીની પહેલી મેચ રમનારાે આશ્વિન યો-યો ટેસ્ટ માટે બેંગલુરુ ગયો હતો. અશ્વિને કહ્યું, ”હું માપદંડોનું પાલન કરનારો માણસ છું. જો કોઈ માપદંડ બન્યો હોય તો તેને માનવાની સંપૂર્ણ કોશિશ કરું છું. દરેક નેતૃત્વ માટે ટીમ માટે કેટલીક યોજનાઓ હોય છે. જો વર્તમાન નેતૃત્વની આ યોજના હોય તો તેનું પાલન કરવું જોઈએ.”

ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણી માટે ટીમમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહેનાર અશ્વિન માટે એ જોવું દિલચસ્પ બની રહેશે કે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં તેને સ્થાન મળે છે કે નહીં. અશ્વિન ૧૪ ઓક્ટોબરથી ત્રિપુરા સામેની રણજી મેચમાં રમવા તૈયાર છે.

You might also like