વર્લ્ડકપની ચિંતા, ખેલાડીઓનું વર્કલોડઃ ફ્રેંચાઇઝીઓ સાથે વાત કરીશું: શાસ્ત્રી

728_90

હેમિલ્ટનઃ વર્લ્ડકપની ભરપૂર તૈયારીઓ કરી રહેલી ટીમ ઇન્ડિયા માટે આ વખતે વર્લ્ડકપ પહેલાં આયોજિત થનારી ઘરેલુ ટી-૨૦ લીગ આઇપીએલ એક પડકાર બની ગઈ છે. ટીમ ઇન્ડિયાએ સંપૂર્ણ દમખમ સાથે વર્લ્ડકપમાં ઊતરવાનું છે અને એ પહેલાં ખેલાડીઓએ IPLમાં પણ રમવાનું છે.

સ્પષ્ટ છે કે આનાથી ખેલાડીઓની ફિટનેસ, ફોર્મ અને પ્રેશરની ચિંતા ટીમ મેનેજમેન્ટને છે જ. ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી પણ આ બાબતે ચિંતિત નજરે પડી રહ્યો છે અને તેણે જણાવ્યું છે કે તે આ મામલે IPL ફ્રેંચાઈઝીઓ અને ખેલાડીઓ સાથે વાત કરશે.

એક ઈન્ટરવ્યૂ દરમિયાન શાસ્ત્રીને જ્યારે પૂછવામાં આવ્યું કે, ‘વિશ્વકપ પહેલાં ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર્સનો વર્કલોડ ચિંતાનો વિષય છે. ટીમ મેનેજમેન્ટ પાસે શું IPL દરમિયાન ખેલાડીઓની લય અને વર્કલોડની ચિંતા કરવાનો કોઈ ખાસ પ્લાન છે?’ આ સવાલના જવાબમાં શાસ્ત્રીએ કહ્યું, ”અત્યારે તમામ ખેલાડીઓ ફોર્મમાં છે.

અમે પ્રયત્ન કરીશું કે IPL ફ્રેન્ચાઇઝી અને તેના કેપ્ટનો સાથે વાત કરીએ. અમે એ નક્કી કરવા ઈચ્છીએ છીએ કે વિશ્વકપ માટે પસંદ થનારા સંભવિત ખેલાડીઓ IPLમાં ઓછી મેચ રમે, જેથી તેમની ફિટનેસ અને ફોર્મ પર કોઈ પ્રતિકૂળ અસર ન પડે. અમે ઈચ્છીએ છીએ કે આ ટૂર્નામેન્ટ દરમિયાન ખેલાડીને યોગ્ય આરામ મળે, જેથી તે વિશ્વકપ માટે ફ્રેશ રહી શકે.”

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચે કહ્યું, ”IPL પૂરી થઈ બાદ પણ વિશ્વકપ પહેલાં અમારી પાસે દસેક દિવસનો સમય રહેશે અને એ દરમિયાન અમે આ તમામ બાબતો પર કામ કરીશું. એ ખૂબ જરૂરી છે કે ખેલાડી પોતાની શારીરિક ફિટનેસ અને પોતાની સ્કિલ્સને ઇમ્પ્રૂવ કરવા માટે કામ કરે. ભલે અમે ફ્રેન્ચાઇઝીના કામમાં વધુ દખલ ન કરી શકીએ, તેમ છતાં અમે તેમની સાથે અને ખેલાડીઓ સાથે આ વિશે વાત કરીશું.”

રવિ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયાના વિશ્વકપના પ્લાન અને છેલ્લા વર્ષના પ્રદર્શન અંગે પણ વાત કરી હતી. વન ડે આંતરરાષ્ટ્રીયમાં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ભારતીય ટીમે ૨૦૧૭માં પાકિસ્તાન સામે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ જરૂર ગુમાવી હતી, પરંતુ ત્યાર બાદ ટીમ ઇન્ડિયા વન ડે ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે.

ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ટીમ ઈન્ડિયાએ વિન્ડીઝ, શ્રીલંકા, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં વન ડે શ્રેણી જીતી છે. આ સિવાય ભારતે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા અને વિન્ડીઝની ટીમને ઘરઆંગણે પણ હરાવી છે. ટીમ ઈન્ડિયાએ યુએઈમાં રમાયેલો એશિયા કપ પણ કબજે કર્યો હતો. આ બે વર્ષમાં ટીમ ઈન્ડિયા માત્ર ઈંગ્લેન્ડને હરાવી શકી નથી.

You might also like
728_90